ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે માટે આપત્તિજનક વિધાન કરનારા કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેને જામીન તો મળી ગયા છે, છતાં તેમને હજી રાહત મળી નથી. હવે નાશિક સાયબર પોલીસ સ્ટેશનમાં નારાયણ રાણે વિરુદ્ધ નોંધાયેલી FIRને મુદ્દે નાશિક પોલીસે નોટિસ મોકલી છે. તેમને 2 સપ્ટેમ્બરના પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં જનયાત્રા કાઢનારા નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાનું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. એથી તેમની સામે નાશિકમાં ગુનો નોંધાયા બાદ રત્નાગિરિમાં પણ ગુનો નોંધાયો હતો. નાશિક પોલીસ તેમની ધરપકડ માટે ચિપલૂણ ગઈ હતી, જોકે તે અગાઉ રત્નાગિરિમાં પણ ગુનો નોંધાયો હોવાથી તેમની રત્નાગિરિ પોલીસે ધરપકડ કરી હતી. રાતના રાયગઢના મહાડ કોર્ટમાંથી તેમને શરતી જામીન મળ્યા હતા. એ મુજબ રાણેને 31 ઑગસ્ટ અને 13 સપ્ટેમ્બરના પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે. તેમ જ ભવિષ્યમાં આ પ્રકારનાં નિવેદનો આપવાથી દૂર રહેવું પડશે. જોકે હવે નારાયણ રાણેને નાશિક પોલીસની નોટિસ મળી છે, તેથી 2 સપ્ટેમ્બરના નાશિકમાં હાજર થવું પડશે. તપાસમાં સહકાર્ય કરવાનું આશ્વાસન આપ્યું હોવાથી હાલ રાણેની ધરપકડની આવશ્યકતા ન હોવાનું નાશિક પોલીસ કમિશનર દીપક પાંડેએ કહ્યું હતું.