ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના હેઠળ અત્યાર સુધી ફક્ત પ્લૉટ પર રહેલા ઝૂંપડાંને માન્ય રાખીને 1 જાન્યુઆરી, 2000 સુધીનાં ઘરોને મફત ઘર આપવામાં આવે છે. ત્યાર બાદ 1 જાન્યુઆરી, 2011 સુધીના ઝૂંપડાધારકો પાસેથી પૈસા લઈને ઘર આપવામાં આવે છે. હવે જોકે ઝૂંપડપટ્ટીના પહેલા માળે ઘર ધરાવનારને પણ ઘર માટે પાત્ર ગણવા બાબતે સરકાર વિચાર કરી રહી છે. સરકારના ન્યાય અને વિધી ખાતાએ એ માટે સકારાત્મક અભિપ્રાય આપ્યો છે. એથી લાખો આવા ઝૂંપડાધારકોને આશા જાગી છે. અત્યાર સુધી ઝૂંપડાના પહેલા માળે રહેલા ઘરને મફતના ઘર માટે અપાત્ર ગણવાનો કાયદો છે.
ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટીએ 2017માં આ બાબતે રજૂઆત કરી હતી. સરકારના ન્યાય અને વિધી ખાતા પાસે અભિપ્રાય માગવામાં આવ્યો હતો. જેમાં હાલમાં જ તેમણે ઝૂંપડાના પહેલા માળે રહેનારા ઝૂંપડાધારકોનો સમાવેશ પણ ઝૂંપડપટ્ટી કાયદા 2017માં સુધારા બાદ થયો હોવાનું કહ્યું હતું.તેથી પહેલા માળે રહેનારા ઝૂંપડાધારકો પણ ઘર માટે પાત્ર ઠરે છે એવો અભિપ્રાય તેમણે આપ્યો છે.
કિરીટ સોમૈયાએ હસન મુશ્રીફનો વારો કાઢ્યો, સેંકડો કરોડોની બેનામી સંપત્તિની વિગત જાહેર કરી; જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે સરકારના અગાઉના કાયદા મુજબ ઝૂંપડાના પહેલા માળે રહેનારા લોકો ઘરને પાત્ર નથી ગણાતા. તેમ જ કોર્ટે પણ આ ઝૂંપડાધારકોને અપાત્ર ગણાવ્યા હતા, પરંતુ ઝૂંપડપટ્ટી કાયદામાં થયેલા સુધારાને કારણે હવે આ લોકો પણ ઘરને પાત્ર ઠરશે.