ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
કોરોનાએ ભલભલાને આર્થિક રીતે ભાંગી નાખ્યા છે. હવે મહારાષ્ટ્રની મહાનગરપાલિકાનો વારો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન દર્દીઓને આરોગ્ય સેવા પૂરી પાડવા માટે રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓને આર્થિક મદદ કરી હતી, પરંતુ હવે સંભિવત ત્રીજી લહેર દરમિયાન કોરોનાના દર્દીનો તમામ ખર્ચ રાજ્યની મહાનગરપાલિકાઓએ જાતે કરવાનો રહેશે એવો ચોંકાવનારો નિર્ણય રાજ્યના આરોગ્ય ખાતાએ લીધો છે. એને પગલે પહેલાંથી આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી રાજ્યની મહાનગરપાલિકાનું આર્થિક સંકટ હજી વધી જવાની શક્યતા છે.
માર્ચ 2020થી કોરોનાનું સંકટ રાજ્ય પર આવ્યું છે. રાજ્યની તમામ મહાનગરપાલિકાઓએ પોતાની સંપૂર્ણ યંત્રણા કોરોનાને નિયંત્રણમાં લાવવા પાછળ લગાડી દીધી હતી. અસરગ્રસ્ત દર્દીને શોધવાથી લઈને, એરિયા, બિલ્ડિંગ સીલ કરવાં, દર્દીને કોરોનાની સારવાર આપવી, દર્દીને કોવિડ સેન્ટરમાં રાખવા, તેને બે વખત જમવાનું તેમ જ નાસ્તો આપવો, ચા આપવી સહિત અનેક ખર્ચાઓ કરવામાં આવ્યા હતા. એની માટે રાજ્ય સરકારે જિલ્લા પ્રશાસન મારફત પાલિકાઓને મદદ કરી હતી. રાજ્ય સરકારે તમામ ખર્ચ ઉપાડયો હતો. એથી પાલિકાના માથા પર આર્થિક ભાર આવ્યો નહોતો. હવે જોકે સંભવિત ત્રીજી લહેર દરમિયાન તમામ ખર્ચો પાલિકાએ કરવાનો રહેશે એવું રાજ્યના આરોગ્ય ખાતાએ ફરમાન કરી દીધું છે. એથી રાજયની બે મોટી મહાનગરપાલિકા સહિત અન્ય પાલિકાઓનું ટેન્શન વધી ગયું છે.