ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 મે 2020
શું તમને ખબર છે ઉદ્ધવ ઠાકરે સુપર ઈન્વેસ્ટર છે? વિધાન પરિષદના સભ્ય પદ માટે ઉમેદવારીપત્ર ભરતા તેમની રોકાણ કરવાની સ્કીલ પ્રથમ વખત જાહેર થઇ છે. ઉમેદવારીપત્રકમાં લખ્યા મુજબ ઉદ્ધવ ઠાકરેના અનેક કંપનીમાં શેર છે, અનેક કંપનીમાં પાર્ટનરશીપ છે. આ તમામ જગ્યાએ થી તેમને ઘણું મોટું ડિવિડન્ડ આવે છે. જોકે ચોકાવનારી વાત એ છે કે સવ્વા સો કરોડના માલિક હોવા છતાં તેમની પાસે ગાડી નથી. સ્થાવર જંગમ મિલકત માં તેમની પાસે અમુક સંપત્તિ અને સર્જત પાસે ફાર્મ હાઉસ છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સોમવારના રોજ વિધાન ભવનમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું. તેમની સાથે તેમના પત્ની રશ્મિ, પુત્રો આદિત્ય અને તેજસ ઠાકરે અને મહાવિકાસ આઘાડીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્રમાં આગામી 21મી મેના વિધાન પરિષદની 9 બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. નોંધનીય છે કે અગાઉથી જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત શિવસેનાના બે અને ભાજપના ચાર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા હતા. ત્યાર બાદ શનિવારે કોંગ્રેસે પોતાના એક માત્ર ઉમેદવાર રાજેશ રાઠોડનું નામ જાહેર કર્યું હતું. તો બીજી તરફ રવિવારે એનસીપી અધ્યક્ષ શરદ પવારે શશિકાંત શિંદે અને અમોલ મિટકરીને ઉમેદવાર બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે 11 મે નામાંકન ભરવાનો છેલ્લો દિવસ છે, ઉમેદવારીપત્રોની ચકાસણી 12 મેના રોજ થશે અને નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ 14 મે છે..