ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 જૂન 2021
મંગળવાર
રાજકારણમાં સતત ઊથલપાથલ જોવા મળતી હોય છે. એમાં પણ ભાજપ સાથે છેડો ફાડીને મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસ, NCP સાથે શિવસેનાએ મહાવિકાસ આઘાડી રચી છે, ત્યારથી મહારાષ્ટ્રનું રાજકારણ સતત ચર્ચાસ્પદ રહ્યું છે. આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના નાયબ પ્રધાન સાથે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પર સૌ કોઈની નજર મંડાયેલી હતી, ત્યારે આ બેઠક મહારાષ્ટ્રમાં મરાઠા સમાજના આરક્ષણને લઈને હોવાનું કહેવાય છે.
મંગળવારે ઉદ્ધવ ઠાકરેની સાથે અજિત પવાર તેમ જ મરાઠા આરક્ષણ ઉપસમિતિના અધ્યક્ષે વડા પ્રધાન સાથે બેઠક કરી હતી. મળેલી માહિતી મુજબ આ મુલાકાત મરાઠા આરક્ષણને લઈને હતી. મરાઠા આરક્ષણનો મુદ્દો મહારાષ્ટ્ર સરકાર માટે માથાનો દુખાવો બની ગયો છે. આગામી સમયમાં રાજ્ય સરકારની મુશ્કેલીઓ તેને કારણે વધી જવાની શક્યતા છે.
વેક્સિનેશન મામલે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકારને બરાબર ખખડાવી; આ ચાલી રહી હતી ગંભીર ભૂલ
અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 16 જૂનથી મરાઠા સમાજે રસ્તા પર ઊતરીને આંદોલન કરવાની ચીમકી આપી છે. એથી આ આંદોલન ના થાય એ માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. એ અંતર્ગત વડા પ્રધાન સાથે આજે બેઠક કરી હોવાનું માનવામાં આવે છે. આ અગાઉ પણ મરાઠા સમાજે રાજ્યવ્યાપી આંદોલન કર્યું હતું. જેને પગલે તત્કાલીન ભાજપ સરકારના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનુ ટેન્શન વધી ગયું હતું. ભાજપ સરકારે મરાઠા સમાજને આરક્ષણ જાહેર કર્યું હતું, પણ કોર્ટે હાલમાં એની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો.