ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 જૂન 2021
શુક્રવાર
મહારાષ્ટ્રમાં દરેક પ્રધાન પહેલા જાહેરાત કરે છે, પછી એ જાહેરાત મુખ્ય પ્રધાન કરશે એવું જાહેર કરવામાં આવે છે. મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાનોના આવા રવૈયાને કારણે નાગિરકોની મૂંઝવણ વધી જતી હોય છે. દરેક પ્રધાન શ્રેય લેવાના પ્રયાસમાં હોય છે. જે મુખ્ય પ્રધાને બોલવાનું હોય છે. એના પર તેઓ કંઈ બોલે એ પહેલાં જ બીજા પાંચ પ્રધાનો બોલી જતા હોય છે. મહાવિકાસ આઘાડીમાં એક મુખ્ય પ્રધાન છે અને પાંચ સુપર મુખ્ય પ્રધાન છે. એવી ટીકા રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કરી હતી. બોલવા પર પ્રતિબંધ મૂકવા કરતાં મુખ્ય પ્રધાને પોતાના પ્રધાનોને શિસ્તના પાઠ ભણાવવા જોઈએ એવી સલાહ પણ ફડણવીસે આપી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે ગુરુવારે રાજ્યના રાહત અને પુનર્વસનપ્રધાન વિજય વડેટ્ટીવારે રાજ્યમાં પાંચ તબક્કામાં અનલૉક પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. તેમની જાહેરાતના થોડા સમયમાં જ મુખ્ય પ્રધાન કાર્યલય તરફથી અનલૉકને લઈને હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અગાઉ પણ મહારાષ્ટ્રમાં વેક્સિન મફત આપવાની જાહેરાત NCPના નેતા અને પ્રધાન નવાબ મલિકે કરી હતી. એના તુરંત બાદ મુખ્ય પ્રધાન કાર્યાલયે આ બાબતે હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાનું જાહેર કર્યું હતું. આ જાહેરાતના થોડા દિવસ બાદ જોકે મુખ્ય પ્રધાને રાજ્યમાં તમામ લોકોને મફતમાં રસી આપવાની જાહેરાત કરી હતી.