ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 19 એપ્રિલ 2021.
સોમવાર.
મહારાષ્ટ્રમાં આંશિક લોકડાઉન લાગુ કરાયો હોવા છતાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. કોરોનાથી લોકોના મોતના ભયાનક આંકડાઓ સામે આવી રહ્યાં હોવા છતાં પણ દેશભરમાં ઘણા બધા લોકો આને હળવાશથી લઈ રહ્યાં છે. રવિવારે પ્રથમ વખત રાજ્યમાં એક દિવસમાં 500 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. સોમવારના આંકડાઓ તો હજું આવવાના પણ બાકી છે.
કોરોના સંક્રમણના ડેટાનું વિશ્લેષણ કરીએ તો છેલ્લા 24 કલાકમાં દર ત્રણ મિનિટમાં રાજ્યમાં એક વ્યક્તિનું મોત થઇ રહ્યું છે, તો દર મિનિટે 2859 લોકો વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. જે ભયાનક સ્થિતિ દર્શાવે છે. આવી સ્થિતિ પ્રતિદિવસ દેશભરમાં થવા જઈ રહી છે.
મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાયરસના સંક્રમણના એક જ દિવસમાં 68,631 નવા કેસ નોંધાયા હતા, રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા અત્યાર સુધીમાં 38,39,338 છે. ત્યાં જ, મૃતકોની સંખ્યા 60,473 પર પહોંચી ગઈ છે. હાલમાં મહારાષ્ટ્રમાં 6,70,388 લોકો સારવાર લઈ રહ્યા છે. મુંબઈ શહેરમાં ચેપના 8,468 નવા કેસ નોંધાયા છે. જ્યારે 53 લોકોનાં મોત નીપજ્યાં છે. શહેરમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 5,79,486 પર પહોંચી ગઈ છે. જયારે મૃત્યુ આંક 12,354 પર પહોંચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતની સંખ્યા ઘટવાને બદલે સતત વધી રહી છે. જે ખરેખર ચિંતાજનક બાબત ગણાય.