ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
સૌએ ખાતામાંથી પૈસા આપ મેળે ઊપડી જવાના કાંડ વિશે સાંભળ્યું જ હશે, પણ શું તમે એવું સાંભળ્યું છે કે ખાતામાં આપ મેળે પૈસા આવી જાય
વાત જાણે એમ છે કે બિહાર રાજ્યના કટિહાર જિલ્લાના એક ગામમાં કોઈ સ્ક્રેચ કૂપન્સ નહીં, લકી ડ્રૉ નહીં, અને ગેમ શો ‛કૌન બનેગા કરોડપતિ’માંથી પણ કોઈ રકમ મળી નથી, છતાં બે બાળકોનાં ખાતાંમાં પૈસા આવ્યા છે. ગામના લોકો તેમનાં ખાતાં અને બૅલૅન્સ તપાસવા માટે બૅન્કમાં કતારમાં ઊભા છે. કારણ કે ગામની શાળાનાં બે બાળકોનાં ખાતાંમાં રાતોરાત 900 કરોડ જમા થઈ ગયા છે. આટલી રકમ જે કદાચ કોઈ ધનિક વ્યક્તિના ખાતામાં આવતી નથી. બાળકોનાં બૅન્ક ખાતામાં આટલી મોટી રકમ આવ્યા બાદ સમગ્ર વિસ્તારના લોકો બૅલૅન્સ તપાસવા માટે બેચેન છે.
સમગ્ર મામલો બિહારના કટિહાર જિલ્લાના આઝમનગર પ્રખંડ પસ્તિયા ગામ સાથે સંબંધિત છે, જ્યાં દરેક વ્યક્તિ બુધવાર સાંજથી તેના બૅન્ક ખાતાનું બૅલૅન્સ ચેક કરી રહી છે. હકીકતમાં ઉત્તર બિહાર ગ્રામીણ બૅન્કમાં ખાતાધારક, ધોરણ 6માં ભણતાં બે બાળકોનાં ખાતાંમાં કરોડો રૂપિયા જમા થયા છે. ધોરણ 6માં ભણતા આશિષના ખાતામાં 6,20,11,100 રૂપિયા અને ગુરુચરણ વિશ્વાસના ખાતામાં 905 કરોડથી વધુ રકમ આવી છે.
સામાન્ય રીતે શાળાના પોશાક માટે શાળામાં અભ્યાસ કરતાં બે બાળકોનાં ખાતામાં સરકારી રકમ આવવાની હતી, પરંતુ આટલી મોટી રકમ એકસાથે જોઈને બાળકો તેમજ તેમના પરિવારના સભ્યો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.
ડ્રેસની રકમ માટે, જ્યારે આ બે બાળકોના પરિવારના સભ્યો ગામના ઇન્ટરનેટ સેન્ટરમાં તેમનાં ખાતાંની તપાસ કરવા ગયા, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. કેન્દ્રમાં હાજર અન્ય લોકો પણ બૅન્ક ખાતામાં આટલી મોટી રકમ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રાતોરાત કરોડપતિ બનેલાં આ બાળકો પણ સમજી શકતાં નથી કે આ કેવી રીતે બન્યું.
મીડિયામાં પ્રસારિત માહિતી અનુસાર, બૅન્કના બ્રાન્ચ મૅનેજર મનોજ ગુપ્તા પણ આ ઘટનાથી ચોંકી ગયા છે. અત્યારે બૅન્કે બંને બાળકોનાં ખાતાંમાંથી પેમેન્ટ અટકાવી દીધું છે, આ બાબતની તપાસ કરવાનું કહ્યું છે. બૅન્કે તેના પદાધિકારીઓને પણ આ અંગે જાણ કરી છે.