ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ, 29 ડિસેમ્બર 2021.
બુધવાર.
સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે અનેક જિલ્લામાં ગઈકાલથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. કેટલીક જગ્યાએ તો વાદળો ઘેરાઇ આવ્યાં હતાં અને વરસાદ પડે એવો માહોલ સર્જાયો હતો. ગઈકાલ મોડી રાતથી રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જાેવા મળ્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ, વડોદરા સહિત અનેક શહેરોમાં કમોસમી વરસાદ નોંધાયો છે.
ગઈકાલે રાત્રે અમદાવાદ, પ્રાંતિજ, હિંમતનગર, વિજાપુર સહિત અનેક તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે સવારે અમદાવાદના પૂર્વ વિસ્તારના નરોડા, નિકોલ, જશોદાનગર સહિતમાં કમોસમી વરસાદ નોંધાયો છે. જ્યારે વડોદરામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યા છે. મોર્નિંગ વોકમાં નીકળતા લોકોએ હિલ સ્ટેશન જેવા માહોલનો આનંદ લીધો હતો તેમજ ચાની કીટલીઓ પર લોકોનો જમાવડો પણ જાેવા મળ્યો હતો. રાજકોટના વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા હતા. જેના પગલે શિયાળુ પાકને લઈ ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો છે. જીરૂ, ચણાને નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે. ઠંડો પવન ફૂંકાતાં ઠંડીમાં પણ વધારો જાેવા મળ્યો હતો. લોકો તાપણું કરી તાપતા નજરે પડ્યા હતા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી ૪૮ કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી, પરંતુ બુધવારથી લઘુતમ તાપમાન ત્રણથી ચાર ડીગ્રી સુધીનો ઘટાડો થશે, જેને કારણે ઠંડીનો અનુભવ થશે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે ફરીથી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતાં ધરતીપુત્રોમાં ચિંતાનાં વાદળો ઘેરાવા લાગ્યાં છે.
કમોસમી વરસાદની આગાહીને પગલે ઘઉં, રાયડો, એરંડા, જીરું, ચણા સહિતના રોકડિયા પાકોને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે, જેમાં ચાલુ વર્ષે રવીપાકના વાવેતરમાં સૌથી વધુ ૧.૬૩ લાખ હેક્ટર જમીનમાં રાયડો, ૧.૧૭ લાખ હેકટર જમીનમાં ઘાસચારો, ૬૧ હજાર હેકટર જમીનમાં ઘઉં, ૫૮ હજાર હેક્ટર જમીનમાં બટાકા, ૫૦ હજાર હેકટર જમીનમાં જીરાનું તેમજ ૬ હજાર હેકટર જમીનમાં શાકભાજી સહિત અન્ય પાકો મળીને જિલ્લામાં કુલ ૪.૭૫ લાખ હેકટરમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ખેતરમાં ઊભા પાક દિવેલા, કપાસ, રાઈ, વરિયાળી, જીરું, ચણા સહિતના પાકોની કાળજી રાખવા સલાહ આપવામાં આવી છે. એની સાથે ખેડૂતો દ્વારા કાપણી કરેલી શાકભાજી પાક ભીંજાય નહિ એ માટે પાકને સુરક્ષિત અથવા ગોડાઉનમાં મૂકવા જાે કમોસમી વરસાદ પડે તો ખેતરોમાં ભરાયેલા પાણીનો સત્વર નિકાલ કરવો તથા આગાહીને ધ્યાનમાં રાખી અગમ ચેતીનાં પગલાં ખેડૂતોએ ભરવા, એવી ખેતીવાડી વિભાગ દ્વારા સલાહ અપાઈ છે.