News Continuous Bureau | Mumbai
Parbhani News મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બંધારણના શિલ્પના અપમાનના કેસમાં મુખ્ય આરોપી દત્તા સોપાન પવારે આત્મહત્યા કરી લીધી છે. દત્તા પવારને આશરે 13 મહિના જેલમાં રહ્યા બાદ ચાર દિવસ પહેલા જ જામીન મળ્યા હતા. જામીન પર છૂટ્યા બાદ તે પોતાના ગામ મિર્ઝાપુર આવ્યો હતો, જ્યાં આજે સવારે તેણે પોતાના ખેતરના ઓરડામાં ગળેફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
શું હતો સમગ્ર મામલો અને ક્યારે થઈ હતી ધરપકડ?
10 ડિસેમ્બર 2024 ના રોજ પરભણી શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે સ્થિત બંધારણ શિલ્પની તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા હતા અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ કેસમાં પોલીસ તપાસ બાદ દત્તા સોપાન પવારની ધરપકડ કરવામાં આવી હતી. આ ગંભીર ગુના માટે તે છેલ્લા 13 મહિનાથી જેલમાં સજા કાપી રહ્યો હતો. થોડા દિવસો પહેલા જ કોર્ટે તેને જામીન આપ્યા હતા, ત્યારબાદ તે મિર્ઝાપુર ગામે પરત ફર્યો હતો.
જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ આત્મહત્યા
મળતી માહિતી મુજબ, દત્તા પવાર જેલમાંથી છૂટીને આવ્યા બાદ તેના ગામમાં જ રહેતો હતો. તેની પત્ની અને બે બાળકો પુણેમાં રહે છે, જ્યારે અન્ય સંબંધીઓ પરભણીના અલગ-અલગ ગામોમાં સ્થાયી થયા છે. આજે સવારે જ્યારે તે ખેતરે ગયો ત્યારે ત્યાં આવેલા ઓરડામાં તેણે દોરડા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતા જ મિર્ઝાપુર ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Reliance Investment: કચ્છના રણથી જામનગરના કિનારા સુધી અંબાણીનું સામ્રાજ્ય! ₹7 લાખ કરોડના રોકાણ સાથે ગુજરાત બનશે દુનિયાની નવી ઇકોનોમિક પાવર
આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ
દત્તા પવારે આટલું મોટું પગલું શા માટે ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. જેલમાંથી છૂટ્યા પછી સામાજિક દબાણ કે માનસિક તણાવ આ પાછળનું કારણ હોઈ શકે તેવી અટકળો લગાવાઈ રહી છે. પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે અને તેના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. બંધારણના અપમાન જેવા સંવેદનશીલ કેસ સાથે જોડાયેલા આરોપીની આત્મહત્યાને કારણે પોલીસ પ્રશાસન પણ સતર્ક થઈ ગયું છે અને ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
