ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર
મુંબઈવાસીઓ ખાડાની સમસ્યાથી જે રીતે પરેશાન છે એવા જ હાલ થાણેવાસીઓના છે. થાણે મહાપાલિકાએ ગત 6 વર્ષમાં રસ્તા ઉપર 1,321 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હોવાની માહિતી મળી છે.
કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં ચોમાસામાં રસ્તા પર ખાડા પડી જાય છે. આ વર્ષે પણ થાણેના રસ્તાઓની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. પાણીની જેમ રૂપિયા ખર્ચ કરવા છતાં શહેરના રસ્તાઓની સમસ્યા કાયમ રહે છે.
થાણેમાં કુલ 280 કિલોમીટરના રસ્તા છે. એમાંથી કેટલાક રસ્તા અન્ય પ્રાધીકરણના છે. આ રસ્તામાં ડામર, સિમેન્ટ, કૉન્ક્રીટ વગેરેનો સમાવેશ થાય છે.
સાર્વજનિક બાંધકામ વિભાગે આદેશ આપ્યો હતો કે ડામરના રસ્તાઓ 15 વર્ષ, કૉન્ક્રીટના રસ્તા 30 અને પુલને 100 વર્ષ સુધી હસ્તગત કરીને કામ કરવું. ત્યાર બાદ રસ્તા પર ખાડા પડવા, કામ ખરાબ થવાથી અથવા પુલ પડવાની એ બધી જવાબદારી કૉન્ટ્રૅક્ટર અને સંબંધિત પર્યવેક્ષક અધિકારીની રહે છે. એવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ કૉન્ટ્રૅક્ટરો રસ્તાના સમારકામ માટે દુર્લક્ષ સેવી રહ્યા છે. એથી ખરાબ રસ્તાની સમસ્યા યથાવત્ હોવાનું દેખાઈ રહ્યું છે.