ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૦ જુલાઈ ૨૦૨૧
શનિવાર
ઉત્તર પ્રદેશના રાજ્ય વિધિ આયોગે યુપી જનસંખ્યા બિલ 2021નો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આગામી થોડા વખતમાં આયોગ આ ડ્રાફ્ટને અંતિમ રૂપ આપી રાજ્ય સરકારને સોંપી દેશે. આ ડ્રાફ્ટમાં રાજ્યમાં જનસંખ્યા નિયંત્રણ માટે કાનૂની ઉપાયોના રસ્તા સૂચવવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના વિધિ આયોગે સત્તાવાર રીતે આ ડ્રાફ્ટને સરકારી વેબસાઇટ પર અપલોડ કર્યો છે. ઉપરાંત જનતા પાસે ૧૯ જુલાઈ સુધીમાં તેમનાં મંતવ્યો પણ માગ્યાં છે.
વિધિ આયોગે તૈયાર કરેલા આ ડ્રાફ્ટ અનુસાર બેથી વધુ બાળકો પર સરકારી નોકરીઓમાં આવેદનથી લઈ સ્થાનિક ચૂંટણી લડવા સુધી પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ મુકાયો છે. આ ઉપરાંત ૭૭ સરકારી યોજનાઓ અને અનુદાનથી બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકોને વંચિત રાખવાની જોગવાઈ છે. જોકે આવો કોઈ ડ્રાફ્ટ તૈયાર કરવાનું રાજ્ય સરકાર દ્વારા કહેવાયું ન હતું, આયોગે જાતે જ આ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.
બાપરેઃ પશ્ર્ચિમ ઉપનગરના આ વિસ્તારમાં નાગરિકોને 24 કલાક પાણી માટે વેઠવી પડશે હાલાકી
ઉલ્લેખનીય છે કે આ ડ્રાફ્ટ એવા સમયે રજૂ કરવામાં આવ્યો છે જ્યારે ૧૧ જુલાઈએ યોગી સરકાર નવી જનસંખ્યા નીતિ રજૂ કરવાની તૈયારીમાં છે. જો આ ડ્રાફ્ટ અમલમાં મુકાય તો એક વર્ષની અંદર જ તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક એકમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને શપથ પત્ર આપવું પડશે કે તેઓ આનું ઉલ્લંઘન કરશે નહીં અને ઉલ્લંઘન થવા પર સરકારી કર્મચારીઓનું પ્રમોશન રોકવા ઉપરાંત તેમને બરતરફ કરવાની ભલામણ આ ડ્રાફ્ટમાં કરવામાં આવી છે.