PM Modi in Goa : PM મોદીએ વિકસિત ભારત, વિકસિત ગોવા 2047 કાર્યક્રમમાં લીધો ભાગ, અધધ રૂ. 1330 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન

PM Modi in Goa : આજે જે 1300 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અથવા જેના માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો તે વિશે વિસ્તૃત માહિતી આપતા પીએમ મોદીએ કહ્યું કે, શિક્ષણ, સ્વાસ્થ્ય અને પર્યટન સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ ગોવાના વિકાસને નવો વેગ આપશે.

by kalpana Verat
PM Modi inaugurates Rs 1,330 cr projects in Goa, including NIT and passenger ropeway

News Continuous Bureau | Mumbai

PM Modi in Goa

  • ગોવાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીના કાયમી કેમ્પસનું ઉદઘાટન કર્યું
  • નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટરસ્પોર્ટ્સનું નવું કેમ્પસ સમર્પિત કર્યું
  • પેસેન્જર રોપ-વેનો શિલાન્યાસ કર્યો, તેની સાથે સાથે સંબંધિત પ્રવાસન પ્રવૃત્તિઓ અને 100 એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવશે
  • 100 ટીપીડી ઇન્ટિગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું
  • રોજગાર મેળા હેઠળ વિવિધ વિભાગોમાં 1930ની નવી સરકારી ભરતીઓને નિમણૂંક ઓર્ડરનું વિતરણ કર્યું
  • વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રો સોંપ્યા
  • “એક ભારત, શ્રેષ્ઠ ભારતનો અનુભવ ગોવામાં કોઈ પણ ઋતુ દરમિયાન થઈ શકે છે”
  • “ડબલ-એન્જિન સરકારને કારણે ગોવાનો વિકાસ ઝડપથી આગળ વધી રહ્યો છે”
  • “સંતૃપ્તિ એ સાચી બિનસાંપ્રદાયિકતા છે, સંતૃપ્તિ એ વાસ્તવિક સામાજિક ન્યાય છે અને સંતૃપ્તિ એ ગોવા અને દેશને મોદીની ગેરંટી છે”
  • “ડબલ એન્જિન સરકાર ગરીબોના કલ્યાણ માટે મોટી યોજનાઓ ચલાવવાની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રેકોર્ડ રોકાણ કરી રહી છે”
  • “અમારી સરકાર ગોવામાં કનેક્ટિવિટી સુધારવા અને તેને લોજિસ્ટિક્સ હબ બનાવવા માટે પણ કામ કરી રહી છે”
  • “ભારતમાં તમામ પ્રકારના પર્યટન એક જ દેશમાં, એક જ વિઝા પર ઉપલબ્ધ છે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં વિકસિત ભારત, વિકસિત ગોવા 2047 કાર્યક્રમમાં રૂ. 1330 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. શ્રી મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી. આજની વિકાસ પરિયોજનાઓમાં શિક્ષણ, રમતગમત, જળ શુદ્ધિકરણ, કચરાનું વ્યવસ્થાપન અને પર્યટન ક્ષેત્રોમાં માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ રોજગાર મેળા અંતર્ગત વિવિધ વિભાગોમાં 1930ની નવી સરકારી ભરતીઓને નિમણૂક આદેશોનું વિતરણ પણ કર્યું હતું અને વિવિધ કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓને મંજૂરીનાં પત્રો પણ સુપરત કર્યા હતાં.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત ગોવાના પ્રાકૃતિક સૌંદર્ય અને પ્રાચીન દરિયાકિનારાને ઉજાગર કરીને કરી હતી અને કહ્યું હતું કે, તે ભારત અને વિદેશના લાખો પ્રવાસીઓનું મનપસંદ હોલિડે ડેસ્ટિનેશન છે. તેમણે કહ્યું હતું કે, “એક ભારત, શ્રેષ્ઠ ભારતનો અનુભવ ગોવામાં કોઈ પણ સિઝનમાં થઈ શકે છે.” તેમણે ગોવામાં જન્મેલા મહાન સંતો, પ્રખ્યાત કલાકારો અને વિદ્વાનો તરફ પણ ધ્યાન દોર્યું હતું અને સંત સોહિરોબાનાથ આમ્બિયે, નાટ્યકાર કૃષ્ણ ભટ્ટ બંદકર, ગાયક કેસરબાઈ કેરકર, આચાર્ય ધર્માનંદ કોસંબી અને રઘુનાથ અનંત માશેલકરને યાદ કર્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ ભારત રત્ન લતા મંગેશકરજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને નજીકમાં સ્થિત મંગુશી મંદિર સાથેના તેમના નજીકના જોડાણ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, “સ્વામી વિવેકાનંદને માર્ગાઓમાં દામોદર સાલમાંથી નવી પ્રેરણા મળી છે.” પીએમ મોદીએ કુનકોલિમમાં લોહિયા મેદાન અને ચીફટેન મેમોરિયલ વિશે પણ વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના સેક્રેડ અવશેષોના વિવરણ વિશે વાત કરી હતી, જે આ વર્ષે યોજાનારા “ગોયકો સૈબ” તરીકે લોકપ્રિય છે. શાંતિ અને સંવાદિતાના પ્રતીક તરીકે આ પ્રદર્શનનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જ્યોર્જિયાનાં સંત મહારાણી કેટેવનને પણ યાદ કર્યા હતાં, જેમનાં પવિત્ર અવશેષોને વિદેશ મંત્રીએ જ્યોર્જિયા લઈ ગયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, “ખ્રિસ્તી અને અન્ય સમુદાયોનું શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું ઉદાહરણ છે.”

આજે જે 1300 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અથવા જેના માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો તે વિશે વિસ્તૃત માહિતી આપતા પીએમ મોદીએ કહ્યું કે, શિક્ષણ, સ્વાસ્થ્ય અને પર્યટન સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ ગોવાના વિકાસને નવો વેગ આપશે. તેમણે જણાવ્યું હતું કે, “નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનું કાયમી પરિસર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટરસ્પોર્ટ્સનું પરિસર અને સંકલિત કચરા વ્યવસ્થાપન સુવિધા, 1930 નિમણૂક પત્રો રાજ્યના વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે.”

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ગોવા વિસ્તાર અને વસતિની દ્રષ્ટિએ નાનું છે.” પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ગોવા સામાજિક રીતે વિવિધતા ધરાવે છે તથા વિવિધ સમાજો અને ધર્મોનાં લોકો કેટલીક પેઢીઓથી શાંતિથી સહઅસ્તિત્વ ધરાવે છે.” તેમણે સબ કા સાથ સબ કા વિકાસનાં મંત્ર પર પ્રકાશ પાડ્યો હતો અને ગોવાનાં લોકોનાં જુસ્સાની પ્રશંસા કરી હતી, જેમણે હંમેશા રાજ્યની સંવાદિતાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે.

સ્વયંપૂર્ણા ગોવાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી મોદીએ ગોવા સરકારનાં સુશાસન મોડલની પ્રશંસા કરી હતી, જે કલ્યાણનાં માપદંડો પર ગોવાનાં લોકોનાં અગ્રણી સ્થાન તરફ દોરી ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, “ડબલ-એન્જિન સરકારને કારણે ગોવાનો વિકાસ ઝડપથી આગળ વધી રહ્યો છે.” પ્રધાનમંત્રીએ હર ઘર નલ સે જલની સંતૃપ્તિ, વીજળીનાં જોડાણો, એલપીજી કવરેજ, કેરોસીન મુક્ત હોવાનો, ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત હોવાનો અને કેન્દ્ર સરકારની ઘણી યોજનાઓમાં સંતૃપ્તિનાં કવરેજનો ઉલ્લેખ કર્યો હતો. “સંતૃપ્તિ ભેદભાવને નાબૂદ કરવા અને તમામ લાભાર્થીઓને લાભોના સંપૂર્ણ સ્થાનાંતરણ તરફ દોરી જાય છે. તેથી જ હું કહું છું, “સંતૃપ્તિ એ સાચી બિનસાંપ્રદાયિકતા છે, સંતૃપ્તિ એ વાસ્તવિક સામાજિક ન્યાય છે અને સંતૃપ્તિ એ ગોવા અને દેશને મોદીની બાંયધરી છે.” પ્રધાનમંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ગોવામાં 30,000થી વધારે લોકોએ વિવિધ લાભ લીધો હતો.

આ વર્ષના બજેટને સ્પર્શતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેનાથી સરકાર દ્વારા યોજનાઓની સંતૃપ્તિનાં ઠરાવને વેગ મળ્યો છે. તેમણે જાહેરાત કરી હતી કે, 4 કરોડ પાકા મકાનોનો લક્ષ્યાંક હાંસલ થઈ ગયા બાદ હવે સરકાર ગરીબોને બે કરોડ મકાનોની ગેરંટી આપી રહી છે. તેમણે ગોવાના લોકોને પણ પાકા મકાનો મેળવવામાં પાછળ રહી ગયેલા લોકોમાં જાગૃતિ લાવવા વિનંતી કરી હતી. તેમણે માહિતી આપી હતી કે, આ વર્ષનાં બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને આયુષ્માન યોજનાનું વધારે વિસ્તરણ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ આ વર્ષના બજેટમાં મત્સ્ય સંપદા યોજનાનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેનાથી માછીમાર સમુદાયને સહાય અને સંસાધનોને વધારે વેગ મળશે, જેથી સીફૂડની નિકાસમાં વધારો થશે અને માછીમારોની આવકમાં વધારો થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ પ્રકારનાં પ્રયાસોથી મત્સ્યપાલન ક્ષેત્રમાં રોજગારીની લાખો તકો ઊભી થાય છે.

માછલીના સંવર્ધકોના કલ્યાણ માટે સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ સમર્પિત મંત્રાલયની રચના, પીએમ કિસાન ક્રેડિટ કાર્ડ સુવિધા, વીમાની રકમમાં 5 લાખ રૂપિયાનો વધારો અને નૌકાઓના આધુનિકીકરણ માટે સબસિડીનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ દેશમાં માર્ગો, રેલવે અને એરપોર્ટના ઝડપી વિકાસ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, “ડબલ એન્જિનની સરકાર ગરીબોના કલ્યાણ માટે મોટી યોજનાઓ ચલાવવાની સાથે સાથે માળખાગત સુવિધાઓમાં વિક્રમી રોકાણ કરી રહી છે.” તેમણે ધ્યાન દોર્યું હતું કે આ વર્ષના બજેટમાં માળખાગત વિકાસ માટે રૂ. 11 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે, જે 10 વર્ષ પહેલાં રૂ. 2 લાખ કરોડથી ઓછા હતા. તેમણે કહ્યું હતું કે, રોજગારીની નવી તકો ઊભી થાય છે અને જ્યાં વિકાસલક્ષી પ્રોજેક્ટો થઈ રહ્યાં છે, ત્યાં દરેક વ્યક્તિની આવક વધે છે.

કનેક્ટિવિટી વધારવા અને ગોવાને લોજિસ્ટિક્સ હબ તરીકે સ્થાપિત કરવા માટે સરકારનાં પ્રયાસોનાં સંબંધમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “અમારી સરકાર ગોવામાં કનેક્ટિવિટી વધારવા અને તેને લોજિસ્ટિક્સ હબમાં પરિવર્તિત કરવાની દિશામાં કામ કરી રહી છે. ગોવામાં મનોહર પર્રિકર ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટનથી સતત ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સની સુવિધા મળી છે.” તેમણે દેશના બીજા ક્રમના સૌથી લાંબા કેબલ બ્રિજ ન્યૂ ઝુઆરી પુલનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે ગયા વર્ષે લોકોને સમર્પિત કરવામાં આવ્યો હતો. નવા માર્ગો, પુલો, રેલવે માર્ગો અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત ગોવામાં ઝડપી માળખાગત વિકાસ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ વિકાસો ગોવાના વિકાસને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે.”

આ સમાચાર પણ વાંચો :  Bharat Rice : મોંઘવારીથી મળશે રાહત, કેન્દ્ર સરકારે 29 રુપિયે કિલોના ભાવે ‘ભારત ચોખા’નું વેચાણ શરુ કર્યું

પ્રધાનમંત્રી મોદીએ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને કુદરતી વારસાને ઉજાગર કર્યો હતો અને ભારતને એક સંપૂર્ણ પ્રવાસન સ્થળ તરીકે સ્થાપિત કરવાના સરકારના પ્રયાસો પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આપણા દેશમાં પ્રવાસનનું દરેક સ્વરૂપ સિંગલ વિઝા પર ઉપલબ્ધ છે. અગાઉની સરકારોમાં પર્યટન સ્થળો, દરિયાકિનારાના વિસ્તારો અને ટાપુઓના વિકાસ માટે દ્રષ્ટિનો અભાવ હતો.” ગોવાના ગ્રામીણ વિસ્તારોમાં ઇકો-ટૂરિઝમની સંભવિતતાને ઓળખીને પ્રધાનમંત્રીએ ગોવાના અંતરિયાળ વિસ્તારોમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા પર સરકારના ધ્યાન પર ભાર મૂક્યો હતો, જેથી સ્થાનિક રહેવાસીઓને લાભ થાય. પ્રધાનમંત્રીએ ફૂડ કોર્ટ, રેસ્ટોરાં અને વેઇટિંગ રૂમ જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવાની સાથે ગોવામાં પ્રવાસન ક્ષેત્રની માળખાગત સુવિધાઓ વધારવાની પહેલની પણ યાદી આપી હતી, જેથી ગોવાને વધુ આકર્ષક સ્થળ બનાવી શકાય.

પ્રધાનમંત્રીએ દિવસની શરૂઆતમાં ભારત ઊર્જા સપ્તાહ 2024ની તેમની મુલાકાતને યાદ કરતાં કહ્યું હતું કે, “સરકાર કોન્ફરન્સ ટૂરિઝમ માટે ગોવાને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવા માટે પ્રતિબદ્ધ છે.” તેમણે છેલ્લાં વર્ષોમાં ગોવામાં થયેલી અનેક જી-20 બેઠકો અને મોટી રાજદ્વારી બેઠકોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ, વર્લ્ડ બીચ વોલીબોલ ટૂર, ફિફા અંડર-17 વિમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપ અને ગોવામાં આયોજિત 37મી નેશનલ ગેમ્સ જેવી ટુર્નામેન્ટનું પણ ઉદાહરણ આપ્યું હતું, જે તેની ઓળખ સમગ્ર વિશ્વ સુધી પહોંચાડે છે. તેમણે ખાતરી આપી હતી કે, ગોવા આગામી વર્ષોમાં આ પ્રકારનાં કાર્યક્રમોનું મોટું કેન્દ્ર બનશે.

તેમણે ગોવામાં ફૂટબોલના યોગદાનની પ્રશંસા કરી હતી અને રમતમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ બ્રહ્માનંદ શંખવાલકરને પદ્મ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે રાજ્યમાં રાષ્ટ્રીય રમતો માટે વિકસિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર એથ્લેટ્સને તેમના સપનાને સાકાર કરવામાં મદદ કરશે.

શિક્ષણ પર સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવાની બાબતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ ગોવામાં કેટલીક સંસ્થાઓની સ્થાપનાનો ઉલ્લેખ કર્યો હતો, જે તેને મુખ્ય શૈક્ષણિક કેન્દ્ર તરીકે પરિવર્તિત કરશે. તેમણે ટેકનોલોજીકલ પ્રગતિને પ્રોત્સાહન આપવા તથા યુવાનો અને ઉદ્યોગોને લાભ થાય તે માટે સંશોધન અને નવીનતા માટે રૂ. 1 લાખ કરોડનાં ભંડોળની બજેટમાં થયેલી જાહેરાત વિશે પણ માહિતી આપી હતી.

અંતમાં પ્રધાનમંત્રીએ ગોવાના ઝડપી વિકાસ માટે જરૂરી સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો હતો અને દરેકને રાજ્યની પ્રગતિમાં પ્રદાન કરવા અપીલ કરી હતી.

આ પ્રસંગે ગોવાના રાજ્યપાલ શ્રી પી એસ શ્રીધરન પિલ્લાઈ, ગોવાના મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંત અને પ્રવાસન અને બંદરો, જહાજ અને જળમાર્ગ રાજ્યમંત્રી શ્રી શ્રીપાદ યેસો નાઈક પણ ઉપસ્થિત રહ્યા હતા.

પાર્શ્વ ભાગ

પ્રધાનમંત્રીએ ગોવામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી, ગોવાનાં કાયમી પરિસરનું ઉદઘાટન કર્યું હતું. નવનિર્મિત સંકુલમાં ટ્યુટોરિયલ સંકુલ, વિભાગીય સંકુલ, સેમિનાર સંકુલ, વહીવટી સંકુલ, છાત્રાલયો, આરોગ્ય કેન્દ્ર, સ્ટાફ ક્વાર્ટર્સ, સુવિધા કેન્દ્ર, રમતગમતનું મેદાન અને સંસ્થાના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિવિધ સુવિધાઓ છે.

પ્રધાનમંત્રીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વોટરસ્પોર્ટ્સના નવા કેમ્પસને સમર્પિત કર્યું હતું. આ સંસ્થા 28 ટેઈલર-મેડ અભ્યાસક્રમો શરૂ કરશે, જેનો ઉદ્દેશ વોટરસ્પોર્ટ્સ અને જળ બચાવ કામગીરીનાં વિકાસને પ્રોત્સાહન આપવાનો છે, જે જાહેર જનતા અને સશસ્ત્ર દળો એમ બંનેને સેવા પૂરી પાડે છે. પ્રધાનમંત્રીએ દક્ષિણ ગોવામાં 100 ટીપીડી ઇન્ટિગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ ફેસિલિટીનું ઉદઘાટન પણ કર્યું હતું. તેને 60 ટીપીડી ભીના કચરા અને 40 ટીપીડી સૂકા કચરાની વૈજ્ઞાનિક સારવાર માટે ડિઝાઇન કરવામાં આવી છે, જ્યારે તેમાં 500 કિલોવોટનો સોલાર પાવર પ્લાન્ટ પણ છે જે વધારાની વીજળી ઉત્પન્ન કરે છે.

પ્રધાનમંત્રીએ પેસેન્જર રોપ-વેનો શિલાન્યાસ કર્યો હતો તેમજ તેની સાથે સાથે સંબંધિત પ્રવાસન પ્રવૃત્તિઓ પણજી અને રીસ માગોસને જોડતી હતી. દક્ષિણ ગોવામાં 100 એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માણ માટે શિલાન્યાસ તેમના દ્વારા કરવામાં આવશે.

વધુમાં, તેમણે રોજગાર મેળા હેઠળ વિવિધ વિભાગોમાં 1930 નવી સરકારી ભરતીઓને નિમણૂક આદેશોનું વિતરણ કર્યું હતું અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રો પણ આપ્યા હતા.

 

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More