News Continuous Bureau | Mumbai
PM Modi Tamil nadu Visit :
- હું આજે રામનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી શકું છું એ માટે હું ધન્યતા અનુભવું છું: પ્રધાનમંત્રી
- શ્રી નરેન્દ્ર મોદી રામેશ્વરમનો નવો પમ્બન પુલ ટેકનોલોજી અને પરંપરાને એકસાથે લાવે છેઃ પ્રધાનમંત્રી
- આજે સમગ્ર દેશમાં મેગા પ્રોજેક્ટ્સ ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે: પ્રધાનમંત્રી
- ભારતનાં વિકાસને આપણી બ્લ્યૂ ઇકોનોમી દ્વારા નોંધપાત્ર રીતે સંચાલિત કરવામાં આવશે અને દુનિયા આ ક્ષેત્રમાં તમિલનાડુની તાકાત જોઈ શકે છે. પ્રધાનમંત્રી
- અમારી સરકાર તમિલ ભાષા અને વારસો દુનિયાના દરેક ખૂણે પહોંચે તે માટે સતત કામ કરી રહી છેઃ પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના રામેશ્વરમમાં રૂ. 8,300 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રેલ અને રોડ પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું હતું. આ અગાઉ તેમણે નવા પમ્બન રેલ બ્રિજ – ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું અને રોડ બ્રિજ પરથી એક ટ્રેન અને એક જહાજને લીલી ઝંડી આપી હતી અને પુલની કામગીરી નિહાળી હતી. તેમણે રામેશ્વરમના રામાનાથસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા પણ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે શ્રી રામનવમીનો પાવન પર્વ છે. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ આજે અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં સૂર્યનાં દિવ્ય કિરણોએ રામ લલ્લાને ભવ્ય તિલકથી શણગાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “ભગવાન શ્રી રામનું જીવન અને તેમના શાસનકાળમાંથી સુશાસનની પ્રેરણા રાષ્ટ્રનિર્માણ માટે મહત્ત્વપૂર્ણ પાયાનું કામ કરે છે.” તામિલનાડુના સંગમ યુગના સાહિત્યમાં પણ ભગવાન શ્રી રામનો ઉલ્લેખ છે એમ જણાવીને તેમણે રામેશ્વરમની પવિત્ર ભૂમિ પરથી તમામ નાગરિકોને શ્રી રામનવમીના પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
Greetings on the occasion of Ram Navami. pic.twitter.com/qoon91uaO3
— PMO India (@PMOIndia) April 6, 2025
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “આજે રામનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરીને હું ધન્યતા અનુભવું છું.” શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, આ વિશેષ દિવસે તેમને રૂ. 8,300 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ સોંપવાની તક મળી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ રેલવે અને રોડ પ્રોજેક્ટ તમિલનાડુમાં કનેક્ટિવિટીને નોંધપાત્ર રીતે પ્રોત્સાહન આપશે. તેમણે તમિલનાડુનાં લોકોને આ પરિવર્તનકારી પહેલો માટે અભિનંદન આપ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “રામેશ્વરમ ભારતરત્ન ડૉ. કલામની ભૂમિ છે, જેમનું જીવન વિજ્ઞાન અને આધ્યાત્મિકતા કેવી રીતે એકબીજાની પૂરક છે એ દર્શાવે છે.” પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “રામેશ્વરમનો નવો પંબન પુલ ટેકનોલોજી અને પરંપરાનાં જોડાણનું પ્રતીક છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હજારો વર્ષ જૂનું એક શહેર હવે 21મી સદીની ઇજનેરી અજાયબીથી જોડાયેલું છે. તેમણે સમર્પણ અને સખત મહેનત બદલ ઇજનેરો અને કામદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પુલ ભારતનો સૌપ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ છે, જે મોટા જહાજોને નીચેની તરફ જવાની સુવિધા આપે છે અને સાથે-સાથે ઝડપી ટ્રેનની મુસાફરી કરી શકે છે. તેમણે આજે વહેલી સવારે નવી ટ્રેન સેવા અને જહાજને લીલી ઝંડી આપવાનો ઉલ્લેખ કર્યો હતો તથા આ નોંધપાત્ર પ્રોજેક્ટ માટે તમિલનાડુનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં.
આ પુલની માંગ ઘણાં દાયકાઓથી જળવાઈ રહી છે એ વાત પર ભાર મૂકીને શ્રી મોદીએ કહ્યું હતું કે, લોકોનાં આશીર્વાદથી આ પુલને પૂર્ણ કરવાનો લહાવો મળ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પમ્બન પુલ ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ અને ઇઝ ઑફ ટ્રાવેલ એમ બંનેને ટેકો આપે છે, જે લાખો લોકોનાં જીવન પર સકારાત્મક અસર કરે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવી ટ્રેન સેવાથી રામેશ્વરમથી ચેન્નાઈ અને દેશનાં અન્ય ભાગો વચ્ચે જોડાણમાં વધારો થશે. તેમણે ઉમેર્યું હતું કે, આ વિકાસથી તમિલનાડુમાં વેપાર અને પ્રવાસનને લાભ થશે, ત્યારે યુવાનો માટે રોજગારી અને વેપારની નવી તકોનું સર્જન પણ થશે.
આ સમાચાર પણ વાંચો : RBI Repo Rate : ઘરનું ઘર ખરીદનારાઓને ફરી લાગી શકે છે લોટરી; બે દિવસમાં RBI આપશે ખુશખબર, મળ્યા આ સંકેત..
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “છેલ્લાં 10 વર્ષમાં ભારતે તેના અર્થતંત્રનું કદ બમણું કર્યું છે.” તેમણે જણાવ્યું હતું કે, આ ઝડપી વૃદ્ધિનું એક મુખ્ય કારણ દેશનું નોંધપાત્ર આધુનિક માળખું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં એક દાયકામાં રેલવે, રોડ, એરપોર્ટ, બંદરો, વીજળી, પાણી અને ગેસ પાઇપલાઇન્સ જેવી માળખાગત સુવિધાઓ માટેનું બજેટ લગભગ છ ગણું વધી ગયું છે. તેમણે કહ્યું હતું કે, “અત્યારે દેશભરમાં મેગા પ્રોજેક્ટ્સ ઝડપથી પ્રગતિ કરી રહ્યાં છે.” તેમણે કહ્યું હતું કે, ઉત્તરમાં જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ પુલનું નિર્માણ થયું છે, જે દુનિયાનાં સૌથી ઊંચા રેલવે પુલોમાંનો એક છે. તેમણે ઉમેર્યું હતું કે, પશ્ચિમમાં અત્યારે મુંબઈ દેશનાં સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુનું ઘર છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પૂર્વમાં આસામનો બોગીબીલ પુલ પ્રગતિનો પુરાવો છે, જ્યારે દક્ષિણમાં વિશ્વના કેટલાક વર્ટિકલ લિફ્ટ બ્રિજ પૈકીનો એક પંબન બ્રિજ તૈયાર થઈ ગયો છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ઇસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પૂર્ણતાના આરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશની પ્રથમ બુલેટ ટ્રેન પર કામગીરી ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે વંદે ભારત, અમૃત ભારત અને નમો ભારત જેવી આધુનિક ટ્રેનો રેલવે નેટવર્કને વધારે અદ્યતન બનાવી રહી છે.
ભારતનું દરેક ક્ષેત્ર જ્યારે એકબીજા સાથે જોડાય છે, ત્યારે વિકસિત રાષ્ટ્ર બનવાનો માર્ગ મજબૂત થાય છે એ વાત પર ભાર મૂકીને શ્રી મોદીએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં દરેક વિકસિત રાષ્ટ્ર અને પ્રદેશમાં આવું જ થતું આવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનું દરેક રાજ્ય એકબીજા સાથે જોડાય છે, ત્યારે દેશની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવામાં આવી રહી છે. તેમણે નોંધ્યું હતું કે, આ જોડાણ તમિલનાડુ સહિત દેશનાં દરેક ક્ષેત્રને લાભદાયક છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “તમિલનાડુ વિકસિત રાષ્ટ્ર બનવાની ભારતની સફરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જેમ જેમ તમિલનાડુની સંભવિતતામાં વધારો થશે, તેમ-તેમ ભારતનો વિકાસ વધુ ઝડપથી વધશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં એક દાયકામાં કેન્દ્ર સરકારે વર્ષ 2014 અગાઉનાં સમયગાળાની સરખામણીમાં તમિલનાડુનાં વિકાસ માટે ત્રણ ગણું વધારે ભંડોળ ફાળવ્યું છે. તેમણે નોંધ્યું હતું કે, આ વધેલા ભંડોળથી તમિલનાડુનાં આર્થિક અને ઔદ્યોગિક વિકાસમાં મોટો ફાળો છે.
તમિલનાડુમાં માળખાગત વિકાસ એ ભારત સરકારની પ્રાથમિકતા છે એ વાત પર ભાર મૂકીને શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં એક દાયકામાં તમિલનાડુનાં રેલવે બજેટમાં 7 ગણો વધારો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, 2014 પહેલાં તામિલનાડુમાં રેલવે પ્રોજેક્ટ્સને વાર્ષિક માત્ર 900 કરોડ રૂપિયા મળતા હતા, જ્યારે આ વર્ષે તામિલનાડુ માટે રેલવે બજેટ 6000 કરોડ રૂપિયાથી વધુ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર રામેશ્વરમ સ્ટેશન સહિત રાજ્યનાં 77 રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરી રહી છે.
છેલ્લાં 10 વર્ષમાં ગ્રામીણ માર્ગો અને રાજમાર્ગોનાં વિકાસમાં થયેલી નોંધપાત્ર પ્રગતિ તરફ ધ્યાન દોરતાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્ષ 2014થી અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારનાં સાથસહકારથી તમિલનાડુમાં 4,000 કિલોમીટરનાં માર્ગોનું નિર્માણ થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, ચેન્નાઈ બંદરને જોડતો એલિવેટેડ કોરિડોર નોંધપાત્ર માળખાગત સુવિધાનું વધુ એક ઉદાહરણ બની રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે આશરે રૂ. 8,000 કરોડનાં મૂલ્યનાં રોડ પ્રોજેક્ટ્સ માટે શિલારોપણ કરવામાં આવ્યું હતું અને ઉદઘાટન કરવામાં આવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટ તમિલનાડુનાં વિવિધ જિલ્લાઓમાં કનેક્ટિવિટી વધારશે અને આંધ્રપ્રદેશ સાથેનાં જોડાણમાં પણ સુધારો કરશે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ચેન્નાઈ મેટ્રો જેવી આધુનિક જાહેર પરિવહન વ્યવસ્થાથી તમિલનાડુમાં પ્રવાસની સરળતા વધી રહી છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે, વિસ્તૃત માળખાગત વિકાસથી વિવિધ ક્ષેત્રોમાં નવી રોજગારીનું સર્જન થશે.
The government is continuously working to ensure that the Tamil language and heritage reach every corner of the world: PM @narendramodi pic.twitter.com/QwSKlV8ZBG
— PMO India (@PMOIndia) April 6, 2025
છેલ્લાં એક દાયકા દરમિયાન ભારતમાં સામાજિક માળખાગત સુવિધામાં વિક્રમી રોકાણ પર ભાર મૂકીને શ્રી મોદીએ એ બાબત પર ખુશી વ્યક્ત કરી હતી કે, તમિલનાડુનાં કરોડો પરિવારોને આ પહેલોનો લાભ મળ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં દેશભરનાં ગરીબ પરિવારોને 4 કરોડથી વધારે પાકા મકાનો પ્રદાન કરવામાં આવ્યાં છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમિલનાડુમાં નિર્મિત 12 લાખથી વધારે પાકા મકાનોનો પણ સમાવેશ થાય છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં એક દાયકામાં આશરે 12 કરોડ ગ્રામીણ પરિવારોને પ્રથમ વખત પાઇપ દ્વારા પાણી મળ્યું છે. તેમણે નોંધ્યું હતું કે, તેમાં તમિલનાડુનાં 1 કરોડ 11 લાખ પરિવારોનો પણ સમાવેશ થાય છે, જેમને હવે પ્રથમ વખત તેમનાં ઘરોમાં નળમાંથી પાણી સુલભ થયું છે.
આ સમાચાર પણ વાંચો :Petrol Diesel Price: વાહન ચાલકો થઈ જાઓ તૈયાર… પેટ્રોલ-ડીઝલ થશે મોંઘા; સરકારે એકસાઇઝ ડ્યૂટીમાં કર્યો આટલા રૂપિયાનો વધારો..
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “નાગરિકોને ગુણવત્તાયુક્ત અને વાજબી દરે હેલ્થકેર પ્રદાન કરવી એ અમારી સરકારની પ્રતિબદ્ધતા છે.” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આયુષ્માન ભારત યોજના હેઠળ તમિલનાડુમાં 1 કરોડથી વધારે સારવાર હાથ ધરવામાં આવી છે, જેનાથી રાજ્યમાં પરિવારો માટે રૂ. 8,000 કરોડનો ખર્ચ બચાવી શકાય છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમિલનાડુમાં 1,400થી વધારે જન ઔષધિ કેન્દ્રો છે, જ્યાં દવાઓ 80 ટકા સુધીનાં ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. તેમણે નોંધ્યું હતું કે, આ વાજબી દવાઓથી લોકોને રૂ. 700 કરોડની બચત થઈ છે.
શ્રી મોદીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, સરકાર એ બાબતની ખાતરી કરવા કટિબદ્ધ છે કે, યુવાન ભારતીયોને હવે ડૉક્ટર બનવા માટે વિદેશ જવાની ફરજ ન પડે. તેમણે એ બાબત પર ભાર મૂક્યો હતો કે, તાજેતરનાં વર્ષોમાં તમિલનાડુને 11 નવી મેડિકલ કોલેજો મળી છે. તેમણે તમિલનાડુ સરકારને તમિલ ભાષામાં તબીબી શિક્ષણનાં અભ્યાસક્રમો શરૂ કરવા વિનંતી કરી હતી, જે ગરીબ પરિવારોનાં ઘણાં બાળકોને મદદરૂપ થશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “સુશાસન સુનિશ્ચિત કરે છે કે કરદાતાઓ દ્વારા ફાળવવામાં આવેલો દરેક રૂપિયો ગરીબમાં ગરીબ નાગરિકોને પણ લાભ આપે.” પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ તમિલનાડુમાં નાના ખેડૂતોને આશરે રૂ. 12,000 કરોડ મળ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, તામિલનાડુનાં ખેડૂતોને પણ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ મળ્યો છે, જેમાં રૂ. 14,800 કરોડનાં દાવાઓ થયાં છે.
શ્રી મોદીએ કહ્યું હતું કે, “ભારતની બ્લ્યૂ ઈકોનોમી દેશના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને આ ક્ષેત્રમાં તમિલનાડુની તાકાતને વૈશ્વિક સ્તરે માન્યતા મળશે.” તેમણે તમિલનાડુના મત્સ્યપાલન સમુદાયની સખત મહેનત પર પ્રકાશ પાડ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાજ્યનાં મત્સ્યપાલનનાં માળખાને મજબૂત કરવા તમામ જરૂરી સાથસહકાર પ્રદાન કરી રહી છે. તેમણે નોંધ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં તમિલનાડુને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ નોંધપાત્ર ભંડોળ મળ્યું છે, જેમાં માછીમારોને આધુનિક સુવિધાઓ પ્રદાન કરવા માટે સરકારનાં પ્રયાસો પર ભાર મૂક્યો છે, જેમાં દરિયાઈ શેવાળનાં ઉદ્યાનો, માછીમારી બંદરો અને ઉતરાણ કેન્દ્રોમાં સેંકડો કરોડનાં રોકાણનો સમાવેશ થાય છે. શ્રી મોદીએ માછીમારોની સુરક્ષા અને સલામતી માટે સરકારની કટિબદ્ધતા પર પણ ભાર મૂક્યો હતો અને ઉલ્લેખ કર્યો હતો કે, છેલ્લાં એક દાયકામાં શ્રીલંકામાંથી 3,700થી વધારે માછીમારોને પરત લાવવામાં આવ્યાં છે, જેમાં છેલ્લાં એક વર્ષમાં જ 600 માછીમારો સામેલ છે.
India’s growth will be significantly driven by our Blue Economy. The world can see Tamil Nadu’s strength in this domain: PM @narendramodi pic.twitter.com/MXyPcIGPFk
— PMO India (@PMOIndia) April 6, 2025
લોકો દેશ વિશે જાણવા અને સમજવા આતુર છે ત્યારે ભારતમાં વધી રહેલા વૈશ્વિક રસનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ આ આકર્ષણમાં ભારતની સંસ્કૃતિ અને સોફ્ટ પાવરની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, “તમિલ ભાષા અને વારસો વિશ્વના દરેક ખૂણે પહોંચે તે માટે સરકાર સતત કામ કરી રહી છે.” તેમણે પોતાની માન્યતા વ્યક્ત કરી હતી કે, 21મી સદીમાં આ મહાન પરંપરાને વધુ આગળ વધારવી જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, રામેશ્વરમ અને તમિલનાડુની આ પવિત્ર ભૂમિ દેશને સતત પ્રેરણા અને ઊર્જા પ્રદાન કરતી રહેશે.
આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે એ બાબતની નોંધ લઈને શ્રી મોદીએ એક મજબૂત, સમૃદ્ધ અને વિકસિત ભારતનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો, જે ભાજપનાં દરેક કાર્યકર્તાનાં અવિરત પ્રયાસોથી પ્રેરિત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશની જનતા ભાજપ સરકારોના સુશાસન અને રાષ્ટ્રીય હિતમાં લેવામાં આવતા નિર્ણયો જોઈ રહી છે. તેમણે દેશના દરેક રાજ્ય અને ખૂણે ભાજપના કાર્યકરો જે રીતે તળિયાના સ્તરે કામ કરી રહ્યા છે અને ગરીબોની સેવા કરી રહ્યા છે તેના પર ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે ભાજપના લાખો કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરીને સમાપન કર્યું હતું અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે તમિલનાડુનાં રાજ્યપાલ શ્રી આર એન રવિ, કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય મંત્રી ડૉ. એલ. મુરુગન સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
પાર્શ્વભૂમિ:
પ્રધાનમંત્રીએ નવા પમ્બન રેલ બ્રિજનું ઉદઘાટન કર્યું હતું અને રામેશ્વરમ-તંબારામ (ચેન્નાઈ)ની નવી ટ્રેન સેવાને લીલી ઝંડી આપી હતી. આ પુલ ઊંડું સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. રામાયણ અનુસાર રામ સેતુના નિર્માણની શરૂઆત રામેશ્વરમ નજીક ધનુષકોડીથી કરવામાં આવી હતી.
રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડતો આ પુલ વૈશ્વિક ફલક પર ભારતીય ઇજનેરીની એક નોંધપાત્ર સિદ્ધિ છે. તે 700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું છે. તેની લંબાઈ 2.08 કિ.મી.ની છે, જેમાં 99 સ્પાન અને 72.5 મીટર વર્ટિકલ લિફ્ટ સ્પાન છે, જે 17 મીટરની ઊંચાઈ સુધી વધે છે, જે જહાજોની સરળ અવરજવરની સુવિધા આપે છે અને સાથે સાથે અવિરત ટ્રેન સંચાલનને સુનિશ્ચિત કરે છે. સ્ટેનલેસ સ્ટીલ મજબૂતીકરણ, ઉચ્ચ-ગ્રેડ રક્ષણાત્મક પેઇન્ટ અને સંપૂર્ણપણે વેલ્ડેડ સાંધાઓ સાથે બાંધવામાં આવેલો આ પુલ ટકાઉપણામાં વધારો કરે છે અને જાળવણીની જરૂરિયાતો ઘટાડે છે. તે ભવિષ્યની માંગને સમાવવા માટે ડ્યુઅલ રેલ ટ્રેક માટે બનાવવામાં આવ્યું છે. એક ખાસ પોલિસેલોક્સેન કોટિંગ તેને કાટ સામે રક્ષણ આપે છે, જે કઠોર દરિયાઇ વાતાવરણમાં દીર્ધાયુષ્યને સુનિશ્ચિત કરે છે.
પ્રધાનમંત્રીએ તમિલનાડુમાં રૂ. 8,300 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રેલ અને રોડ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં રાષ્ટ્રીય રાજમાર્ગ – 40નાં 28 કિલોમીટરની લંબાઈ ધરાવતાં વલાજાપેટ– રાનીપેટ સેક્શનનું ફોર-લેનિંગ કરવા માટે અને રાષ્ટ્રીય રાજમાર્ગ – 332નાં 29 કિલોમીટરની લંબાઈ ધરાવતા વિલુપ્પુરમ-પુડુચેરી વિભાગને સમર્પિત કરવાનો સમાવેશ થાય છે. 57 કિલોમીટરની લંબાઈ ધરાવતો પુન્દિયાંકુપ્પમ– રાષ્ટ્રીય રાજમાર્ગ – 32નો સત્તનાથપુરમ વિભાગ અને રાષ્ટ્રીય રાજમાર્ગ – 36નો 48 કિલોમીટરની લંબાઈ ધરાવતો ચોલાપુરમ– તંજાવુર સેક્શન. આ ધોરીમાર્ગો ઘણાં યાત્રાધામો અને પ્રવાસન સ્થળોને જોડશે, શહેરો વચ્ચેનું અંતર ઘટાડશે તથા પોર્ટ પર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, બંદરો સુધી ઝડપથી પ્રવેશ મેળવવા સક્ષમ બનાવશે તેમજ સ્થાનિક ખેડૂતોને કૃષિ ઉત્પાદનોને નજીકનાં બજારોમાં લઈ જવા માટે સક્ષમ બનાવશે તથા સ્થાનિક ચર્મ અને લઘુ ઉદ્યોગોની આર્થિક પ્રવૃત્તિને વેગ આપશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.