PM Modi Varanasi : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 3,880 કરોડથી વધારેનાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ, ઉદઘાટન કર્યું

PM Modi Varanasi : પ્રધાનમંત્રીએ વારાણસીમાં રૂ. 3,880 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. તેમણે વારાણસીમાં માળખાગત વિકાસ, ખાસ કરીને રોડ કનેક્ટિવિટી વધારવા માટેની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ આ વિસ્તારમાં વિવિધ રોડ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું હતું

by kalpana Verat
PM Modi to inaugurate multiple projects of over Rs 3,880 crore in Varanasi

News Continuous Bureau | Mumbai 

PM Modi Varanasi : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 3,880 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. જનમેદનીને સંબોધતા તેમણે કાશી સાથેના તેમના ઊંડા જોડાણ પર પ્રકાશ પાડ્યો હતો. આ આશીર્વાદ માટે તેમના પરિવાર અને આ વિસ્તારના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તથા તેમને આપવામાં આવેલા પ્રેમ અને સમર્થનનો સ્વીકાર કર્યો હતો. તેમણે આ પ્રેમ પ્રત્યે પોતાની ઋણીતા પર ભાર મૂકતાં કહ્યું હતું કે, કાશી તેમની છે અને તેઓ કાશીનાં છે. આવતીકાલે હનુમાન જન્મોત્સવનો પાવન પર્વ છે તેની નોંધ લઈને શ્રી મોદીએ કાશીમાં સંકટ મોચન મહારાજના દર્શન કરવાની તક મળતાં તેમનું સન્માન વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હનુમાન જન્મોત્સવ અગાઉ કાશીનાં લોકો કેવી રીતે વિકાસનાં પર્વની ઉજવણી કરવા એકત્ર થયાં છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “છેલ્લાં 10 વર્ષમાં બનારસનાં વિકાસે નવી ગતિ પકડી છે.” તેમણે ઉમેર્યું હતું કે, કાશીએ આધુનિકતાને અપનાવી છે, તેનો વારસો જાળવી રાખ્યો છે અને ઉજ્જવળ ભવિષ્યને અપનાવ્યું છે. તેમણે નોંધ્યું હતું કે, કાશી હવે માત્ર પ્રાચીન જ નથી રહી, પણ પ્રગતિશીલ પણ છે. જે અત્યારે પૂર્વાંચલનાં આર્થિક નકશાનાં કેન્દ્રમાં છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે, ખુદ ભગવાન મહાદેવ દ્વારા માર્ગદર્શિત કાશી હવે પૂર્વાંચલના વિકાસનો રથ ચલાવી રહી છે.

આ કાર્યક્રમની શરૂઆતમાં કાશી અને પૂર્વાંચલનાં વિવિધ ભાગો સાથે સંબંધિત અસંખ્ય પરિયોજનાઓનાં ઉદઘાટન અને શિલાન્યાસનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ માળખાગત પ્રોજેક્ટ્સ મારફતે કનેક્ટિવિટીને મજબૂત કરવા, દરેક ઘરને નળનું પાણી પ્રદાન કરવાની ઝુંબેશ તથા શિક્ષણ, સ્વાસ્થ્ય અને રમતગમતની સુવિધાઓનાં વિસ્તરણ પર ભાર મૂક્યો હતો. તેમણે દરેક ક્ષેત્ર, પરિવાર અને યુવાનોને શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન કરવાની કટિબદ્ધતા પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, આ પહેલો પૂર્વાંચલને વિકસિત પ્રદેશમાં પરિવર્તિત કરવામાં સીમાચિહ્નરૂપ બનીને કામ કરશે. તેમણે નોંધ્યું હતું કે, કાશીનાં દરેક રહેવાસીને આ યોજનાઓથી ઘણો લાભ થશે તથા તેમણે બનારસ અને પૂર્વાંચલનાં લોકોને આ વિકાસલક્ષી પ્રયાસો માટે અભિનંદન આપ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ આજે મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતિનાં પ્રસંગે તેમની અને સાવિત્રીબાઈ ફૂલેનાં સમાજનાં કલ્યાણ માટે અને મહિલા સશક્તિકરણ પ્રત્યેનાં આજીવન સમર્પણની પ્રશંસા કરી હતી. તેમણે મહિલા સશક્તિકરણ પ્રત્યે તેમનાં વિઝન અને કટિબદ્ધતાને આગળ વધારવાનાં પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમની સરકાર ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ના મંત્ર પર ચાલે છે. તેમણે પૂર્વાંચલનાં પશુપાલકોનાં કુટુંબો, ખાસ કરીને મહેનતુ મહિલાઓને અભિનંદન આપ્યાં હતાં, જેમણે આ વિસ્તાર માટે નવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. તેમણે નોંધ્યું હતું કે, જ્યારે આ મહિલાઓમાં વિશ્વાસ મૂકવામાં આવે છે, ત્યારે તેમણે ઇતિહાસ રચ્યો છે. પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના બનાસ ડેરી પ્લાન્ટ સાથે સંકળાયેલા પશુપાલકોને બોનસના વિતરણની નોંધ લીધી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રૂ. 100 કરોડથી વધારેનું આ બોનસ કોઈ ભેટ નથી, પણ તેમની મહેનત અને સમર્પણ માટેનું વળતર છે, જે તેમની મહેનત અને ખંતનાં મૂલ્યને પ્રતિબિંબિત કરે છે.

કાશીમાં બનાસ ડેરીની પરિવર્તનશીલ અસર પર ભાર મૂકીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, હજારો પરિવારોનાં જીવન અને નિયતિને નવું સ્વરૂપ આપ્યું છે. શ્રી મોદીએ એ બાબત પર ભાર મૂક્યો હતો કે, ડેરીએ કેવી રીતે કઠોર પરિશ્રમનું ફળ આપ્યું છે અને આકાંક્ષાઓને પાંખો આપી છે. તેમણે ગર્વપૂર્વક નોંધ્યું હતું કે, આ પ્રયાસોથી પૂર્વાંચલની ઘણી મહિલાઓ “લખપતિ દીદી” બની શકી છે, જે જીવનનિર્વાહની ચિંતાઓમાંથી સમૃદ્ધિનાં માર્ગે અગ્રેસર થઈ છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, આ પ્રગતિ ફક્ત બનારસ અને ઉત્તરપ્રદેશમાં જ નહીં, પણ સમગ્ર દેશમાં જોવા મળે છે. તેમણે જણાવ્યું હતું કે, “છેલ્લાં એક દાયકામાં દૂધ ઉત્પાદનમાં આશરે 65 ટકાના વધારા સાથે ભારત વૈશ્વિક સ્તરે સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બની ગયો છે.” તેમણે આ સફળતાનો શ્રેય લાખો ખેડૂતો અને પશુપાલકોને આપ્યો હતો અને જણાવ્યું હતું કે, આ પ્રકારની સિદ્ધિઓ છેલ્લાં 10 વર્ષમાં સતત પ્રયાસોનું પરિણામ છે. તેમણે ડેરી ક્ષેત્રને મિશન મોડમાં આગળ વધારવા હાથ ધરવામાં આવેલી પહેલો તરફ ધ્યાન દોર્યું હતું. જેમાં પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ સુવિધાઓ સાથે જોડવા, લોનની મર્યાદામાં વધારો અને સબસિડી કાર્યક્રમો શરૂ કરવા સામેલ છે. પ્રધાનમંત્રીએ પશુધનનું સંરક્ષણ કરવા માટે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ સામે નિઃશુલ્ક રસીકરણ કાર્યક્રમનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમજ 20,000થી વધારે સહકારી મંડળીઓને સંગઠિત દૂધ એકત્રીકરણ માટે પુનર્જીવિત કરવાના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં લાખો નવા સભ્યો સામેલ થયા હતા. તેમણે રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ પશુઓની સ્વદેશી જાતિઓ વિકસાવવા અને વૈજ્ઞાનિક સંવર્ધન મારફતે તેમની ગુણવત્તા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂક્યો હતો. આ પહેલોનો ઉદ્દેશ પશુધનના માલિકોને નવા વિકાસ માર્ગો, વધુ સારા બજારો અને તકો સાથે જોડવાનો છે. તેમણે કાશીમાં બનાસ ડેરી સંકુલની પૂર્વાંચલમાં આ વિઝનને આગળ વધારવા બદલ પ્રશંસા કરી હતી અને નોંધ્યું હતું કે, બનાસ ડેરીએ આ વિસ્તારમાં ગીર ગાયોનું વિતરણ કર્યું છે, તેમની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તથા બનારસમાં પશુઆહારની વ્યવસ્થા શરૂ કરી છે. તેમણે પૂર્વાંચલમાં આશરે એક લાખ ખેડૂતો પાસેથી દૂધ એકઠું કરવા, તેમને સશક્ત બનાવવા અને તેમની આજીવિકા મજબૂત કરવા બદલ ડેરીની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ કેટલાંક વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન વય વંદના કાર્ડ વહેંચવાનાં વિશેષાધિકારનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે તેમના ચહેરા પર સ્પષ્ટ સંતોષની ભાવના પર પ્રકાશ પાડ્યો હતો અને તેને યોજનાની સફળતાનો પુરાવો ગણાવ્યો હતો. તેમણે પરિવારજનોને તેમના વડીલોની આરોગ્ય સેવા માટે પડતી ચિંતાઓનો સ્વીકાર કર્યો હતો તથા 10-11 વર્ષ અગાઉ પૂર્વાંચલમાં તબીબી સારવાર સાથે સંબંધિત મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો હતો. આ વિસ્તારમાં ધરખમ સુધારાની નોંધ લઈને તેમણે જણાવ્યું હતું કે, “કાશી હવે સ્વાસ્થ્યની રાજધાની બની રહી છે.” તેમણે નોંધ્યું હતું કે, એક સમયે દિલ્હી અને મુંબઈ જેવા શહેરો સુધી મર્યાદિત એવી અદ્યતન હોસ્પિટલો હવે લોકોનાં ઘરની નજીક સુલભ થઈ રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સુવિધાઓને લોકોની વધારે નજીક લાવવી એ જ વિકાસનો સાર છે.

છેલ્લાં એક દાયકામાં હેલ્થકેરમાં નોંધપાત્ર પ્રગતિ પર ભાર મૂકીને, હોસ્પિટલોની સંખ્યામાં વધારો કરવાની સાથે-સાથે દર્દીઓનું ગૌરવ પણ વધાર્યું છે. શ્રી મોદીએ આયુષ્માન ભારત યોજનાને ગરીબો માટે વરદાનરૂપ ગણાવી હતી. જે માત્ર સારવાર જ પ્રદાન કરતી નથી, પણ આત્મવિશ્વાસ પણ પેદા કરે છે. તેમણે નોંધ્યું હતું કે, વારાણસીમાં હજારો લોકો અને ઉત્તરપ્રદેશનાં લાખો લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે, જેમાં દરેક પ્રકારની સારવાર, ઓપરેશન અને રાહત તેમનાં જીવનની નવી શરૂઆત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આયુષ્માન ભારત યોજનાએ ઉત્તરપ્રદેશમાં લાખો પરિવારો માટે કરોડો રૂપિયાની બચત કરી છે, કારણ કે સરકારે તેમની હેલ્થકેરની જવાબદારી લીધી છે. પ્રધાનમંત્રીએ વરિષ્ઠ નાગરિકોને નિઃશુલ્ક સારવાર આપવાનાં પોતાનાં વચનને યાદ કરીને, જેનાં પરિણામે આયુષ્માન વંદના યોજના શરૂ થઈ હતી, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પહેલ 70 વર્ષથી વધારે ઉંમરનાં દરેક વરિષ્ઠ નાગરિકોની આવકને ધ્યાનમાં લીધા વિના નિઃશુલ્ક સારવાર સુનિશ્ચિત કરે છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, વારાણસીએ સૌથી વધુ વૈ વંદના કાર્ડ જારી કર્યા છે, જેમાં આશરે 50,000 કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ માત્ર આંકડાઓ જ નથી, પરંતુ સેવા પ્રત્યેની કટિબદ્ધતા છે, જે કુટુંબોને જમીન વેચવાની, લોન લેવાની કે તબીબી સારવાર માટે લાચારીનો સામનો કરવાની જરૂરિયાતને દૂર કરે છે. તેમણે ખાતરી આપી હતી કે, આયુષ્માન કાર્ડ સાથે હવે સરકાર તેમની હેલ્થકેરની નાણાકીય જવાબદારી ઉઠાવશે.

પ્રધાનમંત્રીએ કાશીના માળખાગત સુવિધા અને સુવિધાઓમાં થયેલા નોંધપાત્ર પરિવર્તન પર પ્રકાશ પાડ્યો હતો. જેની મુલાકાતીઓએ વ્યાપક પ્રશંસા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, લાખો લોકો દરરોજ બનારસની મુલાકાત લે છે, બાબા વિશ્વનાથને પ્રાર્થના કરે છે અને પવિત્ર ગંગામાં સ્નાન કરે છે, જેમાંના ઘણા લોકો આ શહેરમાં આવેલા નોંધપાત્ર ફેરફારો પર ટિપ્પણી કરે છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે, જો કાશીનાં માર્ગો, રેલવે અને એરપોર્ટની સ્થિતિ એક દાયકા અગાઉ જેવી જ રહી હોત, તો તેમણે આ પડકારોનો સામનો કરવો પડ્યો હોત. તેમણે નાના તહેવારો દરમિયાન ટ્રાફિક જામની ઘટનાને યાદ કરી હતી, જેમાં પ્રવાસીઓને ધૂળ અને ગરમી સહન કરીને સમગ્ર શહેરમાંથી પસાર થવું પડતું હતું. તેમણે ફૂલવરિયા ફ્લાયઓવરના નિર્માણ પર ટિપ્પણી કરી હતી, જેણે અંતર ઘટાડ્યું છે, સમયની બચત કરી છે અને દૈનિક જીવનમાં રાહત આપી છે. પ્રધાનમંત્રીએ રિંગ રોડના ફાયદાઓ વિશે પણ વાત કરી હતી, જેણે જૌનપુર અને ગાઝીપુરમાં ગ્રામીણ વિસ્તારોના રહેવાસીઓ તેમજ એરપોર્ટ તરફ જઈ રહેલા બલિયા, મઉ અને ગાઝીપુર જિલ્લાના લોકો માટે મુસાફરીના સમયમાં ધરખમ ઘટાડો કર્યો છે, જેનાથી ટ્રાફિકની ગીચતાના કલાકો દૂર થયા છે.

 

આ વિસ્તારમાં કનેક્ટિવિટીમાં થયેલા સુધારાને રેખાંકિત કરીને ગાઝીપુર, જૌનપુર, મિરઝાપુર અને આઝમગઢ જેવા શહેરોમાં માર્ગો પહોળા કરવા તરફ દોરી ગયા છે. જેના કારણે ઝડપી અને સુવિધાજનક મુસાફરી થઈ છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, એક સમયે ટ્રાફિક જામની સમસ્યાથી પીડાતા વિસ્તારો હવે વિકાસની ગતિનો સાક્ષી બની રહ્યા છે. તેમણે વારાણસી અને તેની આસપાસનાં વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા છેલ્લાં એક દાયકામાં આશરે રૂ. 45,000 કરોડનાં રોકાણ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ રોકાણથી માત્ર માળખાગત સુવિધામાં જ પરિવર્તન નથી આવ્યું, પણ વિશ્વાસ પણ વધ્યો છે, જેનો લાભ કાશી અને પડોશી જિલ્લાઓને મળશે. તેમણે માળખાગત પ્રોજેક્ટ્સના વિસ્તરણની જાહેરાત કરી હતી, જેમાં હજારો કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ સામેલ છે. પ્રધાનમંત્રીએ લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટનાં હાલ ચાલી રહેલાં વિસ્તરણ અને કનેક્ટિવિટી સુધારવા માટે એરપોર્ટ નજીક છ લેનમાં ભૂગર્ભ ટનલનાં નિર્માણ વિશે પણ વાત કરી હતી. તેમણે ભદોહી, ગાઝીપુર અને જૌનપુરને જોડતા વિવિધ પ્રોજેક્ટની શરૂઆતની નોંધ લીધી હતી. તેમજ ભીખારીપુર અને માંડુઆડીહમાં લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી, તેના નિર્માણની નોંધ લીધી હતી. તેમણે આ માગણીઓની પૂર્તિ પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે બનારસ શહેર અને સારનાથને જોડતો નવો પુલ બનાવવાની પણ જાહેરાત કરી હતી, જે સારનાથ તરફ જતી વખતે અન્ય જિલ્લાઓમાંથી આવતા પ્રવાસીઓની શહેરમાં પ્રવેશવાની જરૂરિયાતને દૂર કરશે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આગામી મહિનાઓમાં, એક વખત ચાલુ પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ જાય, પછી બનારસમાં આવન-જાવન વધારે સુવિધાજનક બની જશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રગતિથી આ વિસ્તારમાં ઝડપ અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓ એમ બંનેમાં વધારો થશે. તેમણે બનારસની મુલાકાત લેનારાઓ માટે આજીવિકા અને હેલ્થકેરનાં ઉદ્દેશો માટે વધેલી સરળતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કાશીમાં શહેર રોપ-વે માટે ટ્રાયલ શરૂ થવાનો ઉલ્લેખ પણ કર્યો હતો, જે બનારસને આ પ્રકારની સુવિધા પ્રદાન કરવા વૈશ્વિક સ્તરે પસંદ કરાયેલા શહેરોમાં સ્થાન આપશે.

વારાણસીમાં દરેક વિકાસ અને માળખાગત પ્રોજેક્ટ પૂર્વાંચલના યુવાનોને લાભાન્વિત કરે છે એ બાબત પર ભાર મૂકીને શ્રી મોદીએ કાશીના યુવાનોને રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે સતત તકો પ્રદાન કરવા પર સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે બનારસમાં નવા સ્ટેડિયમના નિર્માણ અને યુવા રમતવીરો માટે ઉત્કૃષ્ટ સુવિધાઓના વિકાસ અંગે ટિપ્પણી કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શરૂ થયું છે, જ્યાં વારાણસીનાં સેંકડો ખેલાડીઓ તાલીમ લઈ રહ્યાં છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સાંસદની રમતગમત સ્પર્ધામાં ભાગ લેનારાઓને આ આધારો પર પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક મળી છે.

વિકાસ અને વારસા વચ્ચે સંતુલન જાળવવાની ભારતની સફર પર ભાર મૂકીને, કાશીને આ મોડલનું શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે રેખાંકિત કરીને પ્રધાનમંત્રીએ ગંગાના પ્રવાહ અને ભારતની ચેતના પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, “કાશી એ ભારતના આત્મા અને વિવિધતાનું સૌથી સુંદર પ્રતિનિધિત્વ છે.” તેમણે દરેક પડોશીની અદ્વિતીય સંસ્કૃતિ અને કાશીની દરેક ગલીઓમાં ભારતની વિશિષ્ટ રંગોની નોંધ લીધી હતી તથા એકતાના તંતુઓને સતત મજબૂત કરતી કાશી-તમિલ સંગમમ જેવી પહેલો પર પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેમણે કાશીમાં આગામી એકતા મોલની જાહેરાત કરી હતી, જેમાં ભારતની વિવિધતાને એક જ છત નીચે પ્રદર્શિત કરવામાં આવશે, જે સમગ્ર દેશમાં વિવિધ જિલ્લાઓમાંથી ઉત્પાદનો ઓફર કરશે.

આ સમાચાર પણ વાંચો :  Farmer compensation : રેલ્વે દ્વારા ખેડૂતને લાલ ચંદનના વૃક્ષ માટે એક કરોડનું વળતર

પ્રધાનમંત્રીએ તાજેતરનાં વર્ષોમાં ઉત્તરપ્રદેશમાં થયેલા પરિવર્તન પર પ્રકાશ પાડ્યો હતો અને નોંધ્યું હતું કે, રાજ્યએ ન માત્ર તેનું આર્થિક પરિદ્રશ્ય પણ બદલ્યું છે, પણ તેનો દૃષ્ટિકોણ પણ બદલ્યો છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, ઉત્તરપ્રદેશ હવે માત્ર સંભાવનાઓની ભૂમિ નથી રહ્યું પણ ક્ષમતા અને સિદ્ધિઓની ભૂમિ બની ગયું છે. તેમણે વૈશ્વિક સ્તરે ‘મેડ ઇન ઇન્ડિયા’ના વધતા જતા પ્રતિધ્વનિ પર ભાર મૂક્યો હતો, જેમાં ભારતીય બનાવટની પ્રોડક્ટ્સ હવે વૈશ્વિક બ્રાન્ડ બની ગઈ છે. તેમણે ભૌગોલિક સંકેત (જીઆઈ) ટેગ્સ સાથે કેટલાક ઉત્પાદનોની માન્યતાની નોંધ લીધી હતી અને આ ટેગ્સને માત્ર લેબલ્સ કરતાં વધુ ગણાવ્યા હતા – તે જમીનની ઓળખના પ્રમાણપત્રો છે. તેમણે નોંધ્યું હતું કે, જીઆઈ ટેગ્સ સૂચવે છે કે ઉત્પાદન એ તેની માટીનું સર્જન છે અને જ્યાં પણ જીઆઈ ટેગ્સ પહોંચે છે. ત્યાં તેઓ બજારની વધારે સફળતા માટેના માર્ગો ખોલે છે.

સમગ્ર દેશમાં જીઆઈ ટેગિંગમાં ઉત્તરપ્રદેશની અગ્રણી સ્થિતિ પર ભાર મૂકીને શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, રાજ્યની કળા, શિલ્પ અને કૌશલ્યને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી રહી છે. તેમણે નોંધ્યું હતું કે, વારાણસી અને તેની આસપાસનાં જિલ્લાઓમાંથી 30થી વધારે ઉત્પાદનોને જીઆઈ ટેગ મળ્યા છે. જેમાં તેમને આ ચીજવસ્તુઓની ઓળખનો પાસપોર્ટ ગણાવ્યો છે. તેમણે વારાણસીના તબલા, શહેનાઇ, વોલ પેઇન્ટિંગ્સ, થંડાઇ, સ્ટફ્ડ રેડ ચિલી, લાલ પેંડા અને તિરંગા બર્ફી જેવા પ્રદેશના ઉત્પાદનોની યાદી આપી હતી. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, જૌનપુરની ઇમરતી, મથુરાની સંઝી કળા, બુંદેલખંડના કાઠિયા ઘઉં, પીલીભીતની વાંસળી, પ્રયાગરાજની મુંજ કળા, બરેલીની ઝરદોઝી, ચિત્રકૂટની વૂડક્રાફ્ટ અને લખીમપુર ખેરીની થારુ ઝરદોઝી જેવી પ્રોડક્ટ્સને તાજેતરમાં જ જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, “ઉત્તરપ્રદેશની માટીની સુગંધ હવે સરહદો ઓળંગી રહી છે અને તેનો વારસો દૂર-દૂર સુધી ફેલાવી રહી છે.”

કાશીની જાળવણી એટલે ભારતની આત્માની રક્ષા કરવી એ બાબતની નોંધ લઈને પ્રધાનમંત્રીએ સમાપન કરતાં કહ્યું હતું કે, તેમણે કાશીને સતત સશક્ત બનાવવા અને તેને સુંદર રાખવા અને તેની પ્રાચીન ભાવનાને આધુનિક ઓળખ સાથે જોડવાની સામૂહિક કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલ, ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

પાર્શ્વ ભૂમિ:

પ્રધાનમંત્રીએ વારાણસીમાં રૂ. 3,880 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. તેમણે વારાણસીમાં માળખાગત વિકાસ, ખાસ કરીને રોડ કનેક્ટિવિટી વધારવા માટેની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ આ વિસ્તારમાં વિવિધ રોડ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. આ ઉપરાંત તેમણે વારાણસી રિંગ રોડ અને સારનાથ વચ્ચે રોડ પુલ, શહેરનાં ભીખારીપુર અને માંડુઆડીહ ક્રોસિંગ પર ફ્લાયઓવર અને વારાણસી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એનએચ-31 પર રૂ. 980 કરોડથી વધારેનાં મૂલ્યનાં હાઇવે અંડરપાસ રોડ ટનલનું ભૂમિપૂજન કર્યું હતું.

વીજળીની માળખાગત સુવિધાને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રીએ વારાણસી ડિવિઝનનાં જૌનપુર, ચંદૌલી અને ગાઝીપુર જિલ્લાનાં રૂ. 1,045 કરોડનાં મૂલ્યનાં બે 400 કેવી અને એક 220 કેવી ટ્રાન્સમિશન સબસ્ટેશન તથા તેની સાથે સંકળાયેલી ટ્રાન્સમિશન લાઇનનું ઉદઘાટન કર્યું હતું. તેમણે વારાણસીનાં ચૌકાઘાટમાં 220 કેવી ટ્રાન્સમિશન સબસ્ટેશન, ગાઝીપુરમાં 132 કેવી ટ્રાન્સમિશન સબસ્ટેશન અને રૂ. 775 કરોડથી વધારેનાં મૂલ્યની વારાણસી શહેરની વીજળી વિતરણ વ્યવસ્થાનો શિલાન્યાસ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ સુરક્ષા કર્મચારીઓ માટે સુવિધાઓમાં સુધારો કરવા માટે પોલીસ લાઇન ખાતે ટ્રાન્ઝિટ હોસ્ટેલ અને પીએસી રામનગર કેમ્પસમાં બેરેકનું ઉદઘાટન કર્યું હતું. તેમણે વિવિધ પોલીસ સ્ટેશનોમાં નવી વહીવટી ઇમારતો અને પોલીસ લાઇનમાં રહેણાંક છાત્રાલયનો શિલાન્યાસ પણ કર્યો હતો.

તમામ માટે શિક્ષણ સુનિશ્ચિત કરવાનાં પોતાનાં વિઝનને અનુરૂપ પ્રધાનમંત્રીએ પિન્દ્રમાં સરકારી પોલિટેકનિક કોલેજ, બરકી ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલ સરકારી કોલેજ, 356 ગ્રામીણ પુસ્તકાલયો અને 100 આંગણવાડી કેન્દ્રો સહિત વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. તેમણે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 77 પ્રાથમિક શાળાઓની ઇમારતોના નવીનીકરણ અને વારાણસીના ચોલાપુરમાં કસ્તુરબા ગાંધી સ્કૂલ માટે નવી ઇમારતના નિર્માણ માટે શિલારોપણ પણ કર્યું હતું. શહેરમાં રમતગમતની માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન આપતા પ્રધાનમંત્રીએ ઉદય પ્રતાપ કોલેજમાં ફ્લડલાઇટ્સ અને પ્રેક્ષક ગેલેરી અને શિવપુરમાં મિનિ સ્ટેડિયમ સાથે સિન્થેટિક હોકી ટર્ફનો શિલાન્યાસ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ગંગા નદી પર સામને ઘાટ અને શાસ્ત્રી ઘાટના પુનર્વિકાસ, રૂ. 345 કરોડથી વધારેનાં મૂલ્યનાં જલ જીવન મિશન હેઠળ 130 ગ્રામીણ પેયજળ યોજનાઓ, વારાણસીનાં છ મ્યુનિસિપલ વોર્ડમાં સુધારો તથા વારાણસીનાં વિવિધ સ્થળો પર લેન્ડસ્કેપિંગ અને શિલ્પ સ્થાપિતોનું ઉદઘાટન પણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કારીગરો માટે એમએસએમઇ એકતા મોલ, મોહનસરાયમાં પરિવહન નગર યોજનાનાં માળખાગત વિકાસ કાર્યો, ડબલ્યુટીપી ભેલુપુરમાં 1 મેગાવોટનો સોલર પાવર પ્લાન્ટ, 40 ગ્રામ પંચાયતોમાં કોમ્યુનિટી હોલ અને વારાણસીમાં વિવિધ પાર્કનાં બ્યૂટિફિકેશનનો શિલાન્યાસ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ તબલા, પેઇન્ટિંગ, થંડાઇ, તિરંગા બરફી સહિતની વિવિધ સ્થાનિક ચીજવસ્તુઓ અને ઉત્પાદનોને ભૌગોલિક સંકેત (જીઆઇ) પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. તેમણે બનાસ ડેરી સાથે સંકળાયેલા ઉત્તર પ્રદેશના દૂધ સપ્લાયર્સને 105 કરોડ રૂપિયાથી વધુનું બોનસ પણ સ્થાનાંતરિત કર્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More