ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
13 ઓક્ટોબર 2020
મહારાષ્ટ્રમાં 6 મહિનાથી બંધ મંદિરોને લઈને હવે રાજકારણ ગરમાયું છે. મંગળવારે આ મુદ્દાને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ સામસામે આવી ગયા હતાં. રાજ્યપાલ કોશ્યારીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. જેમાં લખ્યું કે એક તરફ સરકારે બાર અને રેસ્ટોરાં ખોલી દીધાં છે, બીજી બાજુ મંદિર ખોલવાનું કોરોનાનું કારણ આપી ટાળી રહયાં છે. આમ ન કરવા બદલ તમને કોઈ દૈવીસંકેત મળ્યો કે અચાનકથી સેક્યુલર થઈ ગયા. રાજ્યપાલના આ પત્ર પર ઉદ્ધવે લખ્યું કે 'જેમ તાત્કાલિક લોકડાઉન લાગુ કરવું યોગ્ય નથી એ રીતે એને હટાવવું પણ યોગ્ય નથી અને હું હિન્દુત્વને માનું છું. મારે તમારી પાસેથી હિન્દુત્વનું સર્ટિફિકેટ જોઈતું નથી.'
ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલને આપેલા પત્રમાં આગળ લખ્યું કે મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળ ખોલવાની સાથે જ કોરોનાના વધતા કેસોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. જે લોકો આપણા રાજ્યની સરખામણી પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર(POK) સાથે કરે છે તેમનું સ્વાગત કરવું મારા હિન્દુત્વમાં બંધ બેસતું નથી. માત્ર મંદિર ખોલવાથી જ શું હિન્દુત્વ સાબિત થશે ?
આજે રાજ્યનાં મંદિરોને ખોલવાના નિર્ણય બાબતે લોકો વિવિધ મંદિરો પર પહોંચી ગયા હતાં. સિદ્ધિવિનાયકની બહાર દેખાવો કરવા પહોંચેલા ભાજપના નેતાએ કહ્યું કે અમારી માંગ છે કે અમને સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રવેશ આપવામાં આવે. સાથે જ ઘણા ભાજપના નેતાઓ હાથમાં પોસ્ટર લઈને દેખાવો કરવા પહોંચ્યા હતા. ભાજપનો તર્ક છે કે ઉદ્ધવ સરકારે બાર અને રેસ્ટોરન્ટ્સને શરૂ કરવાની પરવાનગી આપી છે, જોકે મંદિરને ફરીથી ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો નથી.