ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
26 નવેમ્બર 2020
ધીમે ધીમે ટ્રાંસજેન્ડર લોકોને સમાજમાં સ્થાન મલી રહ્યું છે અને સરકારી ઓળખાણ મળી રહી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે ટ્રાંસજેન્ડર સમુદાયના સભ્યો માટે પ્રમાણપત્રો અને ઓળખ કાર્ડ મેળવવા ઓનલાઇન અરજી કરવા માટે રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કર્યુ. આ પોર્ટલ દ્વારા અરજદારો તેમની અરજીની સ્થિતિ જાણી શકશે અને તેનાથી આખી પ્રક્રિયામાં પારદર્શિતા આવશે.
આ રીતે ઓળખ કાર્ડ ઉપલબ્ધ થશે. મંત્રાલયે જણાવ્યું હતું કે એકવાર પ્રમાણપત્ર અને ઓળખકાર્ડ આપ્યા પછી અરજદારો જાતે તેને પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકશે. વિલંબ અથવા અરજી નામંજૂર થવાની સ્થિતિમાં, અરજદારને પોર્ટલ દ્વારા ફરિયાદ કરવાનો વિકલ્પ પણ હશે. આ ફરિયાદ સંબંધિત અધિકારીને મોકલવામાં આવશે અને ફરિયાદનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે. આ વિભાગના અધિકારીઓ એ આશા વ્યક્ત કરી કે પોર્ટલ ત્રીજા સમુદાયના લોકોને ખૂબ મદદ કરશે અને તેમને ટ્રાંસજેન્ડરનું પ્રમાણપત્ર અને ઓળખ કાર્ડ મળશે.
સામાજિક ન્યાય મંત્રાલયે ટ્રાંસજેન્ડર લોકોની સ્થિતિ સુધારવા માટે અનેક પગલા ભર્યા છે. તેમના માટે 13 આશ્રયસ્થાનો બનાવવા માટે 10 શહેરોની ઓળખ કરી છે. જેમાં વડોદરા, નવી દિલ્હી, પટના, ભુવનેશ્વર, જયપુર, કોલકાતા, મણિપુર, ચેન્નાઈ, રાયપુર, મુંબઇ અને અન્ય શહેરો શામેલ છે. આ લોકોના પુનર્વસન યોજના હેઠળ મંત્રાલય દ્વારા ઓળખાતી દરેક આશ્રયસ્થાનમાં ઓછામાં ઓછા 25 ટ્રાંસજેન્ડર લોકો રહી શકશે. આ પ્રોજેક્ટની સફળતા બાદ , તે દેશના વિવિધ ભાગોમાં પણ શરૂ કરવામાં આવશે. આમ ત્રીજા સમુદાયના લોકોને પણ સમાજમાં માનભર્યું સ્થાન સરકારના પ્રયાસોથી મળી રહ્યું છે.
