ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
1 જૂન 2020
કોરોનાના કપરા કાળ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં મુંબઈમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. જેના કારણે રાજ્યમાં ‘નિસર્ગ ‘ વાવાઝોડું ત્રાટકવાની શકયતા છે. આગામી 12 કલાકમાં ડિપ્રેશન ડીપ વાવાઝોડામાં પરિવર્તિત થશે. ત્યારબાદ વાવાઝોડું દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા તરફ ધીમે ધીમે આગળ વધશે. હવામાન વિભાગ અનુસાર, 4,5 જૂને રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જોકે હવામાન વિભાગે સ્પષ્ટ કરી દીધું છે કે આ ચક્રવાત પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા અમ્ફાન ચક્રવાત જેટલુ અસરકારક રહેશે નહીં. ‘નિસર્ગ’ નામના આ ચક્રવાતી તોફાનની આગાહી સાથે હવામાન વિભાગે કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતની સરકારોને એલર્ટ કરી દીધી છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે આ ચક્રવાતની અસરને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં 90-100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વહીવટીતંત્ર અરબી સમુદ્રમાં ચક્રવાતની ગતિવિધિ પર સતત નજર રાખી રહ્યું છે. આ ઉપરાંત કેન્દ્રિય હવામાન વિભાગ રાજ્ય સરકારો સાથે સતત સંપર્કમાં છે અને આ ચક્રવાતની અસરને કારણે ગોવા અને કોંકણ ક્ષેત્રના તમામ વિસ્તારોમાં સોમવારથી 4 જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે. તેને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. સાથે જ હવામાન વિભાગે જણાવ્યું કે, હાલની સ્થિતિ જોતા ગુજરાત-મહારાષ્ટ્ર્માં ‘પ્રી સાયક્લોનિક એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે..