ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
31 ડિસેમ્બર 2020
ભારતમાં ડ્રાઇવિંગ લાઈસન્સ મેળવવાની વય 18 વર્ષ, લગ્ન કરવાની વય 21 વર્ષ છે . પરંતુ શરાબ પીવાની વય 25 વર્ષ છે. આથી ઘણા સમયથી દિલ્હીમાં શોખીનો તરફથી માંગ ઉઠી રહી હતી કે શરાબ પીવાની વય 25 વર્ષથી ઘટાડી 21 વર્ષ કરવામાં આવે.
હવે દિલ્હી સરકાર દારૂ પીવાની વય 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરવાનું વિચારી રહી છે. આ સિવાય દિલ્હીમાં 'ડ્રાય ડે' દિવસોની સંખ્યા ઘટાડવાની યોજના છે. કેજરીવાલ સરકાર વધુ ઘણાં આબકારી નિયમોમાં છૂટછાટ આપવાની પણ યોજના ધરાવે છે. દિલ્હી સરકારે એક સમિતિની રચના કરી હતી, જેમાં આવા ઘણા સૂચનો આપવામાં આવ્યા છે. જો કે, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં આ વય મર્યાદા 21 વર્ષ છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ 4 મહિના પહેલા એક સમિતિની રચના કરી હતી. આ સમિતિનો ઉદ્દેશ્ય દારૂના ભાવની વ્યવસ્થાને સરળ બનાવવા, ધંધામાં આવતી સમસ્યાઓના નિરાકરણો શોધવા અને રાજ્યની એક્સાઈઝ ડ્યુટી વધારવાનાં પગલાં સૂચવવાનો હતો. આ સમિતિના વડા એક્સસાઈઝ કમિશનરને બનાવવામાં આવ્યા હતા.
સમિતિએ દારૂની દુકાનોની સંખ્યા વધારવા જેવી અનેક ભલામણો પણ કરી છે. સમિતિના સૂચન મુજબ તમામ 272 પાલિકાના વોર્ડમાં 3-3 દારૂની દુકાન હોવી જોઈએ. નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 24 રિટેલ શોપ અને ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર છ રિટેલ વેન્ડ હોવી જોઈએ. સમિતિએ દર 2 વર્ષે લોટરી દ્વારા દારૂની દુકાનોનએ લાઇસન્સ આપવાની ભલામણ કરી છે.
સમિતિએ સૂચવ્યું હતું કે છૂટક દુકાનદારોને 8% નિયત ગાળો આપવો જોઈએ. હોટલ, ક્લબ અને રેસ્ટરન્ટમાં પણ લાઇસન્સ સરળતાથી મળે તે માટેની વ્યવસ્થા કરવી જોઈએ..