ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
16 ઓક્ટોબર 2020
વરસાદે વિધિવત્ વિદાય લીધી છે. આમ છતાં છુટા છવાયા વરસાદ પડતો રહે છે. નવરાત્રી ના પ્રારંભ સાથે જ આગામી 5 દિવસ ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે. એમ હવામાન ખાતાએ જાહેર કર્યું છે.
રાજ્યમાં 17 ઓકટોબરથી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
17 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી માછીમારોને દરિયો નહીં ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પહેલા ભારે વરસાદના કારણે તલ અન મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે હવે ફરી વરસાદ કપાસના પાકને નુકસાન પહોંચાડી શકે તેમ છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં શેરડી, કેળના પાકને પણ વરસાદથી નુકસાન પહોંચી શકે એમ છે.
આજે છોટાઉદેપુર, નર્મદા-ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી- ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ તો આવતીકાલે વલસાડ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે..
