ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઑગસ્ટ, 2021
શનિવાર
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં નાના પેઠ વિસ્તારમાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. અહીંયાં રોડ પાસે ઊભેલી એક બાઇકને ચાલકની સાથે ટ્રાફિક વિભાગના લોકો ટોઇંગ કરીને લઈ ગયા. ગત ગુરુવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાની શુક્રવારે તસવીર સામે આવી, ત્યાર બાદ ટ્રાફિક વિભાગના અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. તો વળી ટ્રાફિક પોલીસનું કહેવું છે કે બાઇક નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલી હતી. જ્યારે બાઇક ઉઠાવી તો બાઇકનો ચાલક પણ જાણી જોઈને બાઇક પર બેસી ગયો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, ત્યાર બાદ સ્થાનિક લોકો ટ્રાફિક વિભાગમાં કામ કરતા લોકો પર નારાજ થયા. આ દરમિયાન જ્યારે બાઇકચાલકને ટ્રાફિક વિભાગના લોકો ઉઠાવી રહ્યા હતા, તે ચાલક કહી રહ્યો હતો કે, ‘સર, મારી બાઇક નો પાર્કિંગમાં નથી, હું ફક્ત બે મિનિટ માટે રોડ પાસે ઊભો છું, મેં મારી બાઇક પાર્ક કરી નથી, હું તરત નીકળી રહ્યો છું, વિનંતી છે કે મારી વિરુદ્ધ કાર્યવાહી ન કરો.’ હવે આરોપ એ છે કે આટલી વિનંતી કર્યા બાદ પણ ટ્રાફિક વિભાગના લોકો માન્યા નહીં અને બાઇકચાલકને ક્રેનથી ઉઠાવીને લઈ ગયા.
આ ઘટનાનો વીડિયો જોયા બાદ લોકો સવાલ પૂછી રહ્યા છે કે જો ભૂલ યુવકની છે તો પણ શું આ રીતે તેને બાઇક સાથે ટોઇંગ કરવી યોગ્ય છે? જો યુવક નીચે પડી ગયો હોત તો તેના માટે જવાબદાર કોણ? આ મામલાને લઈને એવા પણ આરોપ લાગી રહ્યા છે કે આ ઘટનાનો વીડિયો બનાવી રહેલી વ્યક્તિની સાથે પણ ટ્રાફિક વિભાગના લોકોએ ગેરવર્તર્ણૂક કરી હતી.