Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ

Pune Illicit Liquor Case 2026। પિમ્પરી ચિંચવડ અને હડપસર વિસ્તારમાં સર્જાઈ મોટી હોનારત મુખ્ય આરોપી ની ધરપકડ, ઓનલાઇન મેથેનોલ મંગાવીને કરતો હતો મિલાવટ; સીએમ દેવેન્દ્ર ફડણવીસના કડક કાર્યવાહીના આદેશ.

by Janvi Soni
Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ

 

News Continuous Bureau | Mumbai

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રના પુણે અને પિમ્પરી ચિંચવડ શહેરમાં ઝેરી દારૂ (લઠ્ઠાકાંડ) પીવાના કારણે સર્જાયેલી મોટી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૮ પર પહોંચી ગયો છે, જેના લીધે સમગ્ર રાજ્યમાં ભારે હાહાકાર મચી ગયો છે. બીજી તરફ, ફૂગેવાડી વિસ્તારમાં હજુ પણ ૬ લોકોની હાલત અત્યંત નાજુક બનેલી છે, જેઓ હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. સત્તાવાર અહેવાલો અનુસાર, આ કટોકટીમાં પિમ્પરી ચિંચવડના ફૂગેવાડીદાપોડી વિસ્તારમાં ૧૨ લોકોના મોત થયા છે, જ્યારે પુણેના હડપસર માં ૬ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પોલીસે આ સમગ્ર નેટવર્કના મુખ્ય સૂત્રધાર અને આરોપી ની ધરપકડ કરી લીધી છે.

વધુ પૈસા કમાવવાની લાલચમાં ઓનલાઇન મેથેનોલ મંગાવીને દારૂમાં કરતો હતો ઝેરી મિલાવટ

પોલીસની પ્રાથમિક તપાસ અને પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે, આરોપી એ માત્ર વધુ નફો કમાવવાની અંધ લાલચમાં આવીને દેશી દારૂના જથ્થામાં કેમિકલ યુક્ત મેથેનોલ (Methanol) ભેળવ્યું હતું. આ ઝેરી રસાયણના મિશ્રણના કારણે જ લોકોની તબિયત અચાનક બગડી હતી અને જોતજોતામાં ૧૮ લોકો કાળનો કોળિયો બની ગયા હતા. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ગંભીર ઘટનાની તાત્કાલિક નોંધ લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને આબકારી વિભાગને આ કૌભાંડમાં સામેલ તમામ ગુનેગારો વિરૂદ્ધ મનુષ્યવધનો ગુનો નોંધીને કડક કાનૂની કાર્યવાહી કરવાના કડક આદેશ આપ્યા છે.

૧,૯૦૦ માં કેન ખરીદીને ૨,૭૦૦ માં વેચતો હતો, જથ્થો વધારવા અપનાવી ખતરનાક ટ્રીક

પોલીસ અને આબકારી (Excise) વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, આરોપી અન્ય એક શખ્સ પાસેથી ૧,૯૦૦ પ્રતિ ૩૫ લીટરના કેન ના ભાવે ગેરકાયદેસર દારૂ ખરીદતો હતો. ત્યારબાદ તે આ જથ્થાને પુણે અને પિમ્પરી ચિંચવડની વિવિધ સ્થાનિક ગેરકાયદેસર દુકાનો અને અડ્ડાઓ પર ૨,૭૦૦ પ્રતિ કેનના ભાવે વેચીને સીધો મોટો નફો મેળવતો હતો. જોકે, પોતાની કમાણી હજુ વધુ વધારવા માટે તેણે ઇન્ટરનેટ પરથી ઓનલાઇન ઝેરી મેથેનોલ મંગાવ્યું હતું અને તેને દારૂમાં મિક્સ કરવાનું શરૂ કર્યું હતું. આ મિલાવટથી દારૂની કુલ માત્રા (ક્વોન્ટિટી) તો વધી ગઈ, પરંતુ કેમિકલના કારણે તે જીવલેણ ઝેર બની ગયું.

આરોપી અગાઉ પણ જેલની હવા ખાઈ ચૂક્યો છે, સ્થાનિક પોલીસ અને આબકારી વિભાગની નિષ્ફળતા પર સવાલ

પોલીસ રેકોર્ડ તપાસતા માલૂમ પડ્યું છે કે મુખ્ય આરોપી નવો ગુનેગાર નથી, પરંતુ તે અગાઉ પણ અસંખ્ય વખત ગેરકાયદેસર અને નકલી દારૂના કાળા કારોબારમાં પકડાઈ ચૂક્યો છે અને જેલની હવા ખાઈ આવ્યો છે. તેની સામે અગાઉ પણ ઘણા ગુનાહિત કેસ નોંધાયેલા છે. હાલમાં પોલીસ અને સ્ટેટ એક્સાઇઝની વિશેષ ટીમો તેના આખા નેટવર્ક અને સપ્લાય ચેઈનને તોડી પાડવા માટે પુણેના અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડી રહી છે. બીજી તરફ, પુણે જેવા આધુનિક અને મોટા શહેરમાં પોલીસ અને પ્રશાસનની નાક નીચે આટલો મોટો ગોરખધંધો કેવી રીતે ચાલી રહ્યો હતો, તેને લઈને સ્થાનિક જનતા અને વિપક્ષ દ્વારા તંત્ર પર આકરા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટના બાદ આબકારી વિભાગે લોકોને સત્તાવાર અપીલ કરી છે કે તેઓ આવી કોઈ અજાણી જગ્યાએથી ખરીદી કરવાના બદલે માત્ર સરકાર માન્ય અને અધિકૃત દુકાનો પરથી જ ખરીદી કરે.

👉 આ સમાચાર વાચો:
RBI Forex Trading Profit 2026। ડોલર સામે રૂપિયાને બચાવવા જતા આરબીઆઈ માલામાલ, અધધ કમાણીથી બજાર સ્તબ્ધ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More