ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
27 મે 2020
કોરોના મહામારી વચ્ચે મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય ચહલ-પહલ તેજ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે મહા વિકાસ અઘાડીના સહયોગીઓની બેઠક બોલાવી છે. આ દરમિયાન અહેવાલ છે કે ઉદ્ધવ ઠાકરેએ રાજકીય હલચલને લઈને કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાથે ફોન પર વાત કરી. આશ્વસ્ત કર્યા છે કે કોરોનાના સંકટકાળમાં કૉંગ્રેસ રાજ્ય સરકારની સાથે છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે એક વર્ચ્યુલ પ્રેસ કોન્ફેરેન્સ દરમિયાન રાહુલે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ નિર્ણાયક ભૂમિકામાં નથી. અમે પંજાબ, છત્તીસગઢ, રાજસ્થાન અને પુડ્ડુચેરીમાં નીતિ નિર્માતા છીએ. સરકાર ચલાવવા અને તેને ટેકો આપવા વચ્ચે તફાવત છે. ત્યારબાદથી જ અનેક અટકળો વહેતી થઈ હતી. તો બીજી તરફ વિપક્ષે મહારાષ્ટ્ર સરકાર પર કોરોનાનો સામનો કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે અને પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી હતી. એવામાં ગઠબંધનના સહયોગીઓ સાથે વાતચીત કરવા માટે મુખ્યમંત્રી ઠાકરેએ આ મીટિંગ બોલાવી છે. આ મીટિંગમાં ગઠબંધનની ત્રણેય પાર્ટીઓ શિવસેના, એનસીપી અને કૉંગ્રેસના મોટા નેતા હાજર રહ્યા છે. મળતી માહિતી મુજબ, ઉદ્ધવ ઠાકરે માતોશ્રીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠકને સંબોધિત કરી રહ્યા છે. બાકી મંત્રી અને ગઠબંધનના સહયોગી મુખ્યમંત્રીના સરકારી નિવાસસ્થાન વર્ષાથી વીસી દ્વારા જોડાયા છે. એનસીપીગી અજિત પવાર અને જયંત પાટિલ પણ બેઠકમાં સામેલ થવા પહોંચ્યા છે. શિવસેનાથી સુભાષ દેસાઈ, એકનાથ શિંદે પણ બેઠકમાં હાજર છે. બીજી તરફ, કૉંગ્રેસ તરફથી બાલાસાહેબ થોરાટ આ બેઠકમાં શામેલ થયા છે..