ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
30 ઓક્ટોબર 2020
સામાન્ય રીતે સબર્બન ટ્રેનમાં એક દિવસમા 80 લાખ મુસાફરો ટ્રાવેલ કરતા હોય છે, પણ હવે રોજ માત્ર 22 લાખ પૅસેન્જર્સને જ પરવાનગી આપશે.. મુંબઈની લોકલ ટ્રેન ભીડભાળ માટે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓની હેરફેર માટે જાણીતી છે. મુંબઈની સબર્બન ટ્રેન સર્વિસ સામાન્ય રીતે રોજ 80 લાખ પ્રવાસીઓની હેરફેર કરે છે, પરંતુ રાજ્ય સરકારે સામાન્ય લોકો માટે ફરી લોકલ ટ્રેનો શરૂ કરવાના અનુરોધ સામે રેલવે તંત્રએ 27.5 ટકા એટલે કે અંદાજે બાવીસ લાખ પ્રવાસીઓની હેરફેર કરવાની તૈયારી દર્શાવી છે. સાથે જ રેલવે વિભાગએ દર કલાકે લેડીઝ સ્પેશ્યલ ટ્રેન ચલાવવાનું સૂચન સ્વીકારવા લાયક નહીં હોવાનું રાજ્ય સરકારને જણાવ્યું છે. કોવિડ-19 ના પ્રોટોકૉલને કારણે હંમેશ કરતાં ઘણા ઓછા પ્રમાણમાં પ્રવાસીઓનો સમાવેશ શક્ય બનશે. નહીં તો સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા મર્યાદિત પ્રમાણમાં જ લોકોને પ્રવેશ આપવામાં આવશે એમ રેલવેએ રાજ્ય સરકારને જણાવ્યું છે.
રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે ‘કોરોના રોગચાળો ફેલાયો એ પહેલાંના, સબર્બન સર્વિસમાં રોજ દરેક ટ્રેનની 2537 પ્રવાસીઓની સરેરાશ ઑક્યુપન્સી સાથે 1774 ટ્રેનમાં રોજના લગભગ 45 લાખ લોકો પ્રવાસ કરી શકતા હતા. સવારે 7 થી 11 વાગ્યા વચ્ચે અને સાંજે 4 થી 8 વાગ્યાના પીક-અવર્સમાં એક ટ્રેનદીઠ 4500 પ્રવાસીઓની સરેરાશ ઑક્યુપન્સી હતી, પરંતુ હાલમાં રોજ 706 ટ્રેનો દોડાવવામાં આવે છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે 4.57 લાખ પ્રવાસીઓની હેરફેર કરી શકાય છે.
કોવિડ-19ના પ્રોટોકૉલ પ્રમાણે એક ટ્રેનમાં 700 મુસાફરોની હેરફેર શક્ય બનશે એથી પૂરેપૂરી 1774 સર્વિસ શરૂ કરીએ તો પણ રોજના 12.4 લાખ મુસાફરોની હેરફેર શક્ય બનશે. બીજા 33 લાખ મુસાફરો માટે શું કરવું એ રાજ્ય સરકારે વિચારવાનું છે. રોગચાળા પૂર્વેના સમયમાં પશ્ચિમ રેલવેમાં એક ટ્રેનની 2560 પ્રવાસીઓની ઑક્યુપન્સી ધ્યાનમાં રાખતાં 1367 લોકલ ટ્રેનોમાં ૩૫ લાખ મુસાફરોની હેરફેર રોજ શક્ય બનતી હતી. હાલમાં 704 ટ્રેનોમાં 3.95 લાખ મુસાફરોની હેરફેર કરવામાં આવે છે. હવે જો તમામ 1367 સર્વિસ શરૂ કરવામાં આવે તો પણ કોવિડ-19 પ્રોટોકૉલ પ્રમાણે રોજ વધુમાં વધુ 9.6 લાખ મુસાફરોની હેરફેર શક્ય બનશે. પશ્ચિમ રેલવેમાં 23 ટકા બેઠકો મહિલાઓ માટે આરક્ષિત રાખવા ઉપરાંત 6 લેડીઝ સ્પેશ્યલ ટ્રેનો પણ દોડાવી રહી છે.