News Continuous Bureau | Mumbai
Raj Thackeray મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મનસે પ્રમુખ રાજ ઠાકરેએ ચૂંટણીના આયોજન પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે વિપક્ષોને પ્રચાર માટે પૂરતો સમય ન આપીને સત્તાધારી પક્ષે અન્યાય કર્યો છે.
પ્રચાર શાંત કેમ દેખાય છે?
જ્યારે રાજ ઠાકરેને પૂછવામાં આવ્યું કે ઠાકરે ભાઈઓની મોટી સભાઓ કેમ નથી થઈ રહી, ત્યારે તેમણે કહ્યું, “તમને બહારથી લાગે છે એટલો જ પ્રચાર નથી હોતો, અંદરખાને ઘણી તૈયારીઓ ચાલતી હોય છે. મુંબઈ અને ઠાણેમાં અમારું કામ ઘણું વહેલું શરૂ થઈ ગયું હતું. મુંબઈમાં જેવું વાતાવરણ જોઈતું હતું તેવું બની ગયું છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે સોશિયલ મીડિયાના જમાનામાં લોકો હવે રસ્તા પર ઉતરવાને બદલે મોબાઈલ પર ગુસ્સો વ્યક્ત કરે છે, જેનું પરિણામ 15 જાન્યુઆરીએ મતદાનમાં જોવા મળશે.
ચૂંટણીની તારીખો પર ‘મેચ ફિક્સિંગ’નો આક્ષેપ
રાજ ઠાકરેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના દાવોસ પ્રવાસનો ઉલ્લેખ કરતા સવાલ કર્યો કે, “ચર્ચા છે કે મુખ્યમંત્રીને દાવોસ જવાનું હોવાથી 15મીએ મતદાન અને 16મીએ પરિણામ રાખવામાં આવ્યું છે. શું આ ચૂંટણી મેચ ફિક્સ કરીને લેવામાં આવી છે? વિરોધ પક્ષોને માત્ર 8 દિવસનો સમય આપવો તે કઈ રીતે યોગ્ય છે?”
વિરોધ પક્ષોને અંધારામાં રાખવાની રમત
રાજ ઠાકરેએ જણાવ્યું કે વોર્ડ વાઈઝ આરક્ષણની જાહેરાત મોડી કરવામાં આવી અને મતદાર યાદીઓ પણ સમયસર આપવામાં આવી નથી. સત્તાધારી પક્ષો પાસે બધી માહિતી વહેલી હોય છે, તેથી તેઓ તૈયારી કરી લે છે, જ્યારે વિપક્ષોને બેસાવધ રાખવા માટે જ આવો ‘પેટર્ન’ અપનાવવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Indian Railways 52: ભારતીય રેલવેમાં ‘સુધારાનો મહાકુંભ’: 52 અઠવાડિયામાં લાગુ થશે 52 મોટા ફેરફાર,જાણો વિગતે
મુંબઈ અને ઠાણે પર ફોકસ
રાજ ઠાકરેએ કબૂલાત કરી કે તેઓ રાજ્યની તમામ 29 મહાનગરપાલિકાઓ સુધી પહોંચી શક્યા નથી, પરંતુ મુંબઈ અને ઠાણેમાં મનસેની તૈયારીઓ પૂરેપૂરી છે. લોકોના મનમાં વર્તમાન રાજકીય સ્થિતિ પ્રત્યે ભારે રોષ અને ચીડ છે, જે પરિવર્તન લાવશે તેવો આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.