News Continuous Bureau | Mumbai
Raj Thackeray મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓની ચૂંટણી 15 જાન્યુઆરીએ યોજાવાની છે. પ્રચાર પરાકાષ્ઠાએ છે ત્યારે અનેક બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવતા લોકશાહી અને મતાધિકાર પર સવાલો ઉભા થયા છે. આ મુદ્દે તાજેતરમાં મહેશ માંજરેકર અને સંજય રાઉતે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેનો એક ખાસ ઇન્ટરવ્યુ લીધો હતો.
મહેશ માંજરેકરનો સવાલ – ‘મતદારોનો હક છીનવાઈ રહ્યો છે?’
ઇન્ટરવ્યુ દરમિયાન મહેશ માંજરેકરે પ્રશ્ન ઉઠાવ્યો કે, “જ્યાં ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે ત્યાં મતદારો આંગળી પર શાહી કેવી રીતે બતાવશે? તમે તેમનો મતાધિકાર છીનવી રહ્યા છો. જો 30% લોકો કહે કે અમને આ ઉમેદવાર નથી જોઈતો, તો તેને રદબાતલ ગણવો જોઈએ.” આ પ્રશ્ન પર રાજ ઠાકરેએ ખૂબ જ સૂચક અને રમુજી અંદાજમાં જવાબ આપ્યો હતો.
રાજ ઠાકરેનો ‘નોટા’ અને ‘નોટ’ પર કટાક્ષ
રાજ ઠાકરેએ હસતા હસતા કહ્યું, “જુઓ, વોટિંગ પેડ પર ‘નોટા’ (NOTA) નો અધિકાર છે, પણ આ બધી સમસ્યા તે ‘નોટા’ ને કારણે જ થઈ છે.” તરત જ બાજુમાં બેઠેલા ઉદ્ધવ ઠાકરેએ પૂર્તિ કરતા કહ્યું, “વહેંચવામાં આવેલી ‘નોટો’ ને કારણે આ સમસ્યા થઈ છે.” જ્યારે માંજરેકરે કહ્યું કે બિનહરીફ બેઠકો પર તો નોટા દબાવવાનો પણ મોકો નથી મળતો, ત્યારે રાજ ઠાકરેએ સચોટ નિશાન સાધતા કહ્યું- “એક્ઝેક્ટલી! કારણ કે પહેલા જ ‘નોટો’ મળી ગઈ છે ને!”
આ સમાચાર પણ વાંચો : Ambarnath Nagar Parishad Election: શિંદે સેનાના ગઢમાં ભાજપનું ગાબડું! અંબરનાથમાં કોંગ્રેસના તમામ કાઉન્સિલરો ભાજપમાં ભળ્યા, પાલિકામાં મોટો ઉલટફેર.
ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચને ઘેર્યું
આ મામલે ઉદ્ધવ ઠાકરેએ આકરા પ્રહાર કરતા કહ્યું કે, “જો ટેન્ડરમાં ગરબડ લાગે તો રી-ટેન્ડર બહાર પાડવામાં આવે છે, તેમ અહીં પણ ચૂંટણી પ્રક્રિયા ફરીથી થવી જોઈએ. પણ ચૂંટણી પંચ તો તેમનો ગુલામ છે. નવાઈની વાત એ છે કે બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોમાં અમારો કે પવાર સાહેબની NCPનો એક પણ ઉમેદવાર નથી? આ શું માત્ર સંયોગ છે?” ઉદ્ધવ ઠાકરેએ આક્ષેપ કર્યો કે સત્તાધારી પક્ષોએ સામ-દામ-દંડ-ભેદનો ઉપયોગ કરીને આ ઉમેદવારોને બિનહરીફ બનાવ્યા છે.