ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 માર્ચ 2021
મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં ઔરંગાબાદ, બુલઢાણા, યવતમાલ, અકોલા બાદ હવે વધુ એક શહેરમાં કડક પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને નાસિક જિલ્લા તંત્ર દ્વારા આકરા નિયંત્રણો સાથે વીકેંડ લોકડાઉન લાદવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી વહીવટીતંત્રએ નિર્ણય લીધો કે 15 માર્ચથી જિલ્લામાં લગ્ન સમારોહને મંજૂરી નહીં આપવામાં આવે. આ પ્રતિબંધ દરમિયાન કોઈ પણ કારણ વગર ઘરથી બહાર નીકળનાર નાગરિકોને પોલીસની કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.
લોકડાઉન દરમિયાન સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી તમામ દુકાનો, શોપિંગ મોલ, કોમ્પલેક્સ બંધ રહેશે. માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચતી દુકાનોને જ છૂટ આપવામાં આવશે.
રેસ્ટોરંટ રાત્રે 9 વાગ્યે બંધ થશે અને 11 વાગ્યા સુધી પાર્સલ આપી શકશે. નાસિક શહેરની તમામ સ્કૂલ, કોલેજો, કોચિંગ ક્લાસ બંધ રહેશે.
મંદિર-મસ્જિદ સાંજે 7 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે. વીકેન્ડમાં ધર્મસ્થાનો સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. UPSC અને MPSCની પરીક્ષા નિર્ધારીત કાર્યક્રમ પ્રમાણે જ યોજાશે.
આપને જણાવી દઈએ કે આ નિર્ણયનો અમલ મંગળવારે ( 9 માર્ચ ) બપોરે 12 વાગ્યાથી શરૂ થશે.