News Continuous Bureau | Mumbai
RTE Gujarat Admission 2025: વિકસિત રાષ્ટ્ર નિર્માણ ત્યારે જ શક્ય બનશે, જ્યારે રાજ્યનો પ્રત્યેક બાળક શિક્ષિત હશે. શિક્ષિત રાજ્ય થકી જ વિકસિત ભારતની વિભાવના સાર્થક થઇ શકે છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી તેમજ ગુણોત્સવ જેવા શિક્ષણલક્ષી કાર્યક્રમો થકી રાજ્યને વધુ શિક્ષિત બનવવાનો યજ્ઞ આરંભ્યો હતો. તેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતમાં વર્ષ-૨૦૧૩થી શરૂ કરાયેલા ‘રાઈટ ટુ એજ્યુકેશન’ –RTE એક્ટ હેઠળ અત્યાર સુધીમાં એટલે કે, વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજિત ૬.૭૦ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકારે વિદ્યાર્થીઓની ઇજ્જ્વળ કારકિર્દી માટે રૂ.૩૮૦૦ કરોડથી વધુનો ખર્ચ કરીને જરૂરીયાતમંદ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
વધુમાં RTE એકટ હેઠળ પ્રવેશ મેળવનાર નબળા અને વંચિત જુથના બાળકોને પુસ્તકો, સ્કુલ બેગ, ગણવેશ, બુટ તથા પરિવહન ખર્ચ અને અભ્યાસને આનુસંગિક વસ્તુઓ ખરીદવા માટે પ્રતિવર્ષ વિદ્યાર્થીદીઠ રૂ.૩૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે. આમ રાજ્ય સરકાર દ્વારા ૧૦૫૭ કરોડથી વધુની સહાય અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. આ પ્રકારની વિદ્યાર્થી સહાય ચૂકવવાની શરૂઆત કરનાર સમગ્ર દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અને શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર તથા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શનમાં આજે નબળા અને વંચિત જૂથના બાળકોને રાજ્યની ખાનગી સ્કૂલોમાં શિક્ષણ મળી રહ્યું છે. ધોરણ-૧માં રાજ્યમાં આવેલ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% જગ્યાઓ પર પ્રવેશ આપવાની કાર્યવાહી ‘રાઈટ ટુ એજ્યુકેશન’ અંતર્ગત કરવામાં આવી રહી છે. RTE હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને રહેઠાણ ફેરફાર તથા નિયત અન્ય કારણોને ધ્યાને લઈ શાળા ફેરબદલી પારદર્શક રીતે પણ કરી આપવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : India Pakistan Tension:ભારતના ફાઇટર પ્લેન આજે પાકિસ્તાનને અડીને આવેલા હવાઈ ક્ષેત્રમાં ઉતરશે, જાણો તણાવ વચ્ચે શું થવાનું છે?
હાલમાં રાજ્ય સરકાર દ્વારા આર.ટી.ઈના એડમિશન માટે વિદ્યાર્થીલક્ષી સકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં સિંગલ ગર્લ ચાઈલ્ડ, આંગણવાડી, એસ.સી, એસ.ટી, ઓ.બી.સી, જનરલ કેટેગરી માટે પહેલા આવક મર્યાદા રૂ.૧.૫ લાખથી વધારીને હાલ રૂ.૬ લાખની કરવામાં આવી છે. જેના થકી વધુને વધુ વિદ્યાર્થીઓ ‘રાઈટ ટુ એજ્યુકેશન’ – RTEનો લાભ લઇ રહ્યા છે.
અત્રે ઉલેખ્ખનીય છે કે, વર્ષ ૨૦૨૫ – ૨૬ આર.ટી.ઈના એડમિશનની પ્રવેશ પ્રક્રિયા ત્રણ તબક્કામાં કરવામાં આવી રહી છે. જેમાં પ્રથમ અને દ્વિતીય તબક્કામાં રાજ્યના ૮૫ હજારથી વધુ વિદ્યાર્થીઓએ શાળા કક્ષાએ લાભ લીધો છે, જ્યારે ત્રીજા તબક્કાનું કાર્ય વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ઝડપી પૂર્ણ કરવામાં આવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.