ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
27 મે 2020
હાલ કોરોના કાળમાં ઘરના સભ્યો મૃતકની ડેડબોડી લેવાનું તો દૂર અંતિમ સંસ્કાર કરવા માટે પણ આવતા નથી. એવા સમયે મુંબઈ પોલીસની એક બહાદુર સિપાઈ સંધ્યા શીલવંત 14 મે થી લઇ આજ સુધી આઠ જેટલી લાશોના અંતિમ સંસ્કાર કરી ચૂકી છે. જેમાંથી ચાર લાશતો કોરોના સંક્રમિત હતી. સંધ્યા કહે છે કે "આ કામ કરતા એને ડર નથી લાગતો પરંતુ ફરજ પૂરી કર્યાનો સંતોષ મળે છે" વધુમાં કહે છે કે "હું ઘરે જઈને મારી ડયુટીની કોઈ પણ વાત મારા બાળકો સામે કરતી નથી જેથી એને એવો ડર મનમાં રહેતો નથી કે હું કોરોના ગ્રસ્ત લોકોની લાશના અંતિમ સંસ્કાર કરીશ તો બાળકોનું શું થશે? કારણ કે આ એની ફરજનો જ એક ભાગ છે. ઉલ્લેખનીય છે કે સંધ્યાના પિતા અને સસરા બંને પોલીસ વિભાગમાં હોવાથી સંધ્યાના ઘરવાળા એની ડ્યૂટીની જવાબદારીઓ સમજી તેને સહયોગ કરે છે. વાસ્તવમાં મુંબઈ પોલીસમાં એ.ડી.આર વિભાગમાં કામ કરતી સંધ્યાનું કામ હોય છે લાપતા, ખોવાઈ ગયેલા, અજ્ઞાત લોકોના મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મેળવવા અને શંકાસ્પદ મૃત્યુ લાગે તો એવી સ્થિતિમાં મૃતકના શરીરના અંગો જેવા કે ફેફસા, દિલ, લીવર લઈને ફોરેન્સિક લેબમાં આપવા જવું અને અંતમાં સગાવહાલા લેવા ન આવે તો અજાણી લાશના અંતિમ સંસ્કાર પણ સંધ્યા પોતે કરે છે. જ્યારે આ વાતની મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને ખબર પડી તો તેમણે સોશ્યલ મીડિયા પર સંધ્યાના વખાણ પણ કર્યા હતા..