ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જુલાઈ, 2021
ગુરુવાર
મહારાષ્ટ્રના છ જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિ અને મહાપૂરે મોટા પ્રમાણમાં તબાહી મચાવી છે. લગભગ અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે ત્યારે ખરી સમસ્યા હવે નિર્માણ થઈ છે. છ જિલ્લાના અનેક ગ્રામીણ વિસ્તારમાં હજી સુધી મદદ પહોંચી શકી નથી. લોકોને અનાજ, કપડાંથી લઈને અનેક મૂળભૂત વસ્તુઓની આવશ્યકતા છે, ત્યારે સમસ્ત મહાજનની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહતકાર્ય માટે પહોંચી ગઈ છે. ચિપળૂણ સહિત મહાડમાં સમસ્ત મહાજનના સ્વયંસેવકો રોજના 5,000થી વધુ લોકોને ગરમાગરમ ખીચડી રાંધીને ખવડાવી રહી છે. એટલુ જ નહીં પણ સોલાર લાઇટ, પેટ્રોલથી લઈને ઘરવખરીની તમામ વસ્તુઓ પણ તેઓ અસરગ્રસ્તો સુધી પહોંચાડી રહ્યા છે.
સમસ્ત મહાજનના ટ્રસ્ટી અને રત્નાગિરિના પ્રોજેક્ટ ઇન્ચાર્જ ગિરીશભાઈ જયંતીભાઈ સત્રાએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે ‘’અસરગ્રસ્ત ગ્રામીણ વિસ્તારોમાં હજી સુધી અનેક નાનાં ગામડાઓમાં મદદ પહોંચી શકી નથી. એથી સમસ્ત મહાજનની સ્વયંસેવકોની ટીમ મહાડ સહિત ચિપળૂણનાં અનેક ગામોમાં મદદ માટે પહોંચી ગઈ છે. હાલ ગામમાં સાફસફાઈ કરવાની સાથે જ ગરમાગરમ ખીચડી ખવડાવાનું કામ અમે કરી રહ્યા છીએ. પૂરમાં ઘર ધ્વસ્ત થઈ ગયાં હોવાથી લોકો પોતાના ઘરમાં રાંધી શકે એવી હાલતમાં નથી. રોજના 5,000થી વધુ લોકોને ખીચડી બનાવીને આપીએ છીએ. જેમાં ગામના રહેવાસીઓથી લઈને પોલીસ ખાતામાં અને હાઇવે પર આવતા-જતા લોકોને પણ જમાડીએ છીએ. આગામી દિવસોમાં વધુ ગામને આવરી લેવાશે.’’
‘’સમાજના તમામ વર્ગના લોકોને મદદની સમસ્ત મહાજને અપીલ કરી છે અને લોકો તરફથી દાન પણ આવી રહ્યું હોવાની માહિતી આપતાં ગિરીશભાઈએ જણાવ્યું હતું કે પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોનાં આખાં ને આખાં ગામ બરબાદ થઈ ગયાં છે. લોકોએ પોતાનું ઘર, કપડાં, સામાન બધું ગુમાવી દીધું છે. અમે કપડાં, વાસણ, ઝાડું, અનાજની કિટ, બેડશીટ, ધાબડા, ચંપલ, માસ્ક, સેનિટાઇઝર જેવી વસ્તુઓની મદદ કરી રહ્યા છીએ. એ સાથે સોલાર લાઇટ અને એક-એક લિટર પેટ્રોલ પણ આપીએ છીએ, કારણ કે પૂરમાં પેટ્રોલ પમ્પને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.’’
મહિલાઓને ખાસ મદદની આવશ્યકતા છે એવું જણાવતાં ગિરીશભાઈએ કહ્યું ‘’મહિલાઓને સાડી, ગાઉનથી લઈને અન્ડરગાર્મેન્ટ્સ, સેનિટરી પેડની પણ સહાયતા કરવામાં આવી રહી છે. સરકારી મદદ તો મળવાની હશે ત્યારે મળશે, પણ આ બધી વસ્તુઓ લેવા માટે મહિલા જશે કયાં? એથી અમે મહિલાઓને આ વસ્તુઓ પ્રાથમિકતાને ધોરણે ઉપલબ્ધ કરાવી આપી રહ્યા છીએ.’’
સમસ્ત મહાજન અનાજ, ઘરવખરીના સામાનની સહાયતા તો કરી રહી છે, પણ બીજા તબક્કામાં અસરગ્રસ્ત વિસ્તારમાં દસ હજાર પરિવારનું પુનર્વસન પણ કરવાની છે. સમસ્ત મહાજનની મદદની અપીલ સામે મુંબઈ જ નહીં, પણ સમગ્ર મહારાષ્ટ્રમાં દાતાઓએ આગળ આવીને મદદ કરી રહ્યા હોવાનું સમસ્ત મહાજનના ટ્રસ્ટી ગિરીશભાઈએ જણાવ્યું હતું.
