News Continuous Bureau | Mumbai
દિવંગત હિંદુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે સમૃદ્ધિ હાઈવે મુંબઈ-નાગપુરની મુસાફરીને સરળ બનાવવા અને ટૂંકા ગાળામાં લાંબા અંતરને કાપવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન દ્વારા આ હાઈવેનું ઉદ્ઘાટન થયાને 100 દિવસ થઈ ગયા છે. જોકે આ જ સમયગાળામાં સમૃદ્ધિ હાઇવે પર 900 જેટલા અકસ્માતો થયા છે. જેમાં 31 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. આ હાઇવે પર દરરોજ સરેરાશ 9 અકસ્માતો નોંધાયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 ડિસેમ્બર 2022 ના રોજ નાગપુરથી શિરડી સમૃદ્ધિ હાઇવેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ હાઈવે શરૂ થયાને 100 દિવસ થઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન હાઇવે પર 900 જેટલા નાના-મોટા અકસ્માતો થયા છે. ચોંકાવનારી વાત એ છે કે 46 ટકા અકસ્માતો બ્રેકડાઉનને કારણે થયા છે. 15 ટકા અકસ્માતો ટાયર પંચર અને 12 ટકા અકસ્માતો ટાયર ફાટવાના કારણે થયા છે. વડાપ્રધાન મોદી દ્વારા સમૃદ્ધિ પરના હાઈવેનું ઉદ્ઘાટન કર્યા બાદ આ રોડને ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જો કે, આ હાઇવે અકસ્માતોને કારણે ચર્ચામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : નવતર પ્રયોગ.. મહારાષ્ટ્ર્ના આ જિલ્લાના એક ખેડૂતે દ્રાક્ષની નવી જાત શોધી કાઢી, નેશનલ રિસર્ચ સેન્ટરે પણ આપ્યું પ્રમાણપત્ર
વાહનવ્યવહાર વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે ઈંધણ ખતમ થઈ જતાં વાહનો રોડ પર ઊભા રહેવાના કારણે અથવા ઈંધણ ખતમ થઈ જતાં વાહન બંધ થઈ જવાના કારણે પણ અકસ્માતો થયા છે. સમૃદ્ધિ હાઇવે પર બાઇક સવારોને મંજૂરી નથી. મોટા વાહનોની સ્પીડને કારણે આ હાઈવે પર ટુ-વ્હીલર ચલાવવાની મનાઈ છે. જો કે, તેમ છતાં ઘણી જગ્યાએ ટુ-વ્હીલર આ હાઇવે પર મુસાફરી કરતા જોવા મળે છે. જેના કારણે અકસ્માતની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. એવી ફરિયાદો પણ ઉઠી રહી છે કે અચાનક ટુ-વ્હીલર સામે આવી જતાં સ્પીડ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની જાય છે.