ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
19 ઓક્ટોબર 2020
મહારાષ્ટ્રના રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે રાજયમાં મંદિરો ખોલવા બાબતે થયેલા વિવાદ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વલણનું શિવસેનાના સાંસદ સંજય રાઉતે સ્વાગત કર્યું છે.
અમિત શાહે ટિપ્પણી કરી હતી કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખતી વખતે તેમના શબ્દો વધુ સારી રીતે પસંદ કરી શકયા હોત.
કોશ્યારીએ તાજેતરમાં જ ઠાકરેને રાજ્યમાં પૂજા સ્થળો ફરી શરૂ કરવા અંગે પત્ર લખ્યો હતો અને પૂછ્યું હતું કે શું શિવસેનાના પ્રમુખ "અચાનક બિનસાંપ્રદાયિક થઈ ગયા છે", રાજ્યપાલ અને મુખ્ય પ્રધાન વચ્ચેના શબ્દો ઉશ્કેરણી જનક હતાં. આ અંગે પ્રતિક્રિયા આપતાં રાઉતે કહ્યું કે અમિત શાહ દેશના ગૃહ પ્રધાન છે અને જવાબદારી, સાવધાની સાથે બોલે છે. તેમણે કહ્યું કે, રાજકીય કંઈ નથી. શાહે જે કહ્યું તે ભારતના બંધારણને અનુરૂપ હતું.
નોંધનીય છે કે રાજભવન અને રાજ્યપાલનું કાર્યાલય એક બંધારણીય સંસ્થા છે અને તે ગૃહ મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.
