News Continuous Bureau | Mumbai
- સરકારના સહયોગ અને પતિના પ્રોત્સાહનથી ઘરઆંગણાથી બહાર આવી નશીમા બાનુ આજે આત્મનિર્ભરતાનું પ્રતિક બની:
- ઓનલાઇન વ્યવસાય શરૂ થતા અમારી કૃતિઓને વધુ વ્યાપક મંચ મળ્યો છેઃ નશીમા બાનુ
માહિતી બ્યુરો, સુરતઃ શનિવાર:- “આત્મનિર્ભર સ્ત્રીઓ, આત્મનિર્ભર ગામો”ના વિષય સાથે સુરતમાં યોજાયેલ સરસ મેળામાં એક અનોખો સ્ટોલ સૌનું ધ્યાન ખેંચતો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘વોકલ ફોર લોકલ’ ના આહવાનને સાકાર કરતા કચ્છ જિલ્લાના નખત્રાણા ગામના નશીમા બાનુ અને તેમના પતિ ઈસાભાઇએ લિપ્પન આર્ટની કલા સરસ મેળામાં પ્રસ્તુત કરી હતી. આજે તેઓએ આધુનિકતાના યુગમાં ઓનલાઇન વ્યવસાય પણ શરૂ કર્યો છે. લિપ્પન આર્ટ કલા આર્થિક ઉપાર્જનનું માધ્યમ બની છે.
લિપ્પન આર્ટ, જે કચ્છની ધરતીની શોભા છે, તેને છેલ્લા ૧૫ વર્ષથી કચ્છના દંપતિ જાળવી રહ્યું છે. શરૂઆત ઈસાભાઇએ લિપ્પન આર્ટનું કામ એક સાદા લેટરબોક્સ પર કર્યું હતું, પરંતુ નશીમા બાનુની કુશળતા અને સર્જનાત્મકતા મળતાં આ કલા આજે વોલ-પીસ, ટી-સ્ટેન્ડ, કીચેઈન, મિરર અને અનેક આકર્ષક ડેકોરેટિવ આઇટમ્સમાં રૂપાંતર પામી છે. ગાયના ગોબર, ગામની માટી, કાર્ડબોર્ડ, ફેવીકોલ અને એક્રેલિક કલર્સ વડે બનતી આ કૃતિઓની કિંમત રૂ.૫૦ થી માંડીને રૂ.૨૫૦૦ સુધીની છે. ખાસ વાત એ છે કે, લોકોની પસંદગી મુજબ કસ્ટમાઇઝ ઓર્ડર પણ તેઓ તૈયાર કરે છે અને દેશ-વિદેશની વિવિધ પ્રદર્શનીઓમાં પોતાનું સ્થાન બનાવે છે.
સુરત સરસ મેળામાં તેઓ પહેલીવાર આવ્યા અને ત્યાં લોકોનો મળેલો સારો પ્રતિસાદ નશીમા બાનુ માટે ઉત્સાહજનક અનુભવ રહ્યો છે. એક સમય હતો જ્યારે નશીમા બાનુ માત્ર ઘરકામ અને ચુલ્હા-ચોકા સુધી સીમિત રહી જતી, પરંતુ પતિને ટેકો આપવા માટે તેમણે આ વ્યવસાયમાં પોતાનું યોગદાન આપવાનું શરૂ કર્યું. આજે તેઓ માત્ર સહભાગી જ નહીં પરંતુ પરિવારમાં આત્મનિર્ભરતા લાવનારી પ્રેરણાસ્ત્રોત બની ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
સંઘર્ષમય સફરને યાદ કરતાં નશીમા બાનુ સરકારનો આભાર વ્યક્ત કરતાં કહે છે કે, “સરકારના સહયોગથી જ અમને આ મંચ મળ્યો છે, જેથી અમારી કલા અને વ્યવસાયને નવો વળાંક મળ્યો છે, આજે અમે આ પરંપરાગત કલા લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ. અમારી કલા માત્ર જળવાઈ નથી રહી પરંતુ નવી પેઢી સુધી પહોંચે છે.” તેઓ અંતે ઉમેર્યું કે, ઓનલાઇન વ્યવસાય શરૂ થતા અમારી કૃતિઓને વધુ વ્યાપક મંચ મળ્યો છે.
નશીમા બાનુ અને ઈસાભાઇની જોડી સાબિત કરે છે કે, જો પ્રતિભાને પ્રોત્સાહન અને યોગ્ય પ્લેટફોર્મ મળે તો ગામડાની સ્ત્રીઓ પણ પરિવાર, સમાજ અને દેશને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે