ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑગસ્ટ, 2021
શુક્રવાર
મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષણ ખાતાએ 17 ઑગસ્ટથી મહારાષ્ટ્રમાં શાળા ફરી ચાલુ કરવાની જાહેરાત કરી હતી. જોકે રાજ્યની ટાસ્ક ફોર્સ સાથેની બેઠક બાદ હાલ આ નિર્ણય પર સ્ટે આપી દેવામાં આવ્યો છે. એટલે હાલ સ્કૂલો ખૂલવાની નથી.
મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી છે, પરંતુ ડેલ્ટા વેરિયન્ટના કેસ વધી રહ્યા છે, તો રાજ્ય સરકારે બ્રેક ધ ચેઇન હેઠળ અનેક છૂટછાટ આપી છે. એમાં પાછું સપ્ટેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા છે, ત્યારે દેશના અન્ય રાજ્યમાં સ્કૂલ ચાલુ થયા બાદ બાળકોને ચેપ લાગવાનું પ્રમાણ વધી ગયા હોવાને મુદ્દે રાજ્યની ટાસ્ક ફોર્સે ચિંતા વ્યક્ત કરી હતી.
18 વર્ષથી નીચેનાં બાળકોને હાલ વેક્સિન આપવામાં આવતી નથી. એથી તેમને કોરોનાનો ચેપ લાગવાનું જોખમ છે. એથી તુરંત સ્કૂલ ચાલુ કરવી યોગ્ય નહીં રહે, એવો મત ટાસ્ક ફોર્સે વ્યકત કર્યો છે. તેથી હવે આ મુદ્દે ટાસ્ક ફોર્સ ફરી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક કરશે. તેના પર ચર્ચા કર્યા બાદ જ સ્કૂલ ફરી ખુલ્લી મૂકવાને લઈને જાહેરાત કરશે. જોકે ત્યાં સુધી સ્કૂલો બંધ જ રહેશે એવી સરકારે જાહેરાત કરી છે.