ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 8 ડિસેમ્બર 2021
બુધવાર.
આજે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠક થવાની છે. મહારાષ્ટ્રમાં ઓમીક્રોનના કેસના જોખમને ધ્યાનમાં રાખીને આજે આગામી દિવસોમાં પ્રતિબંધ કેટલા હદે લાદવા કે નહીં અને સ્કૂલ ખોલવી કે નહીં જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા થવાની શક્યતા છે.
મુંબઈમાં ઓમીક્રોનના બે તો રાજ્યમાં અત્યાર સુધી કુલ 10 ઓમીક્રોનના કેસ નોંધાઈ ચૂક્યા છે. બાળકોને જોખમ વધારે હોવાનું કહેવાય છે. તેથી સ્કૂલો ખોલવી કે નહીં તેને લઈને આજે કેબિનેટમાં મહત્વની ચર્ચા થશે. ઓમીક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને હાલ પૂરતો સ્કૂલ ખોલવાનો નિર્ણય વિલંબમાં આવી શકે છે.
શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે સ્થાનિક સ્તરે સ્કૂલને લઈને નિર્ણય લેશે એવું મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું.
મુંબઈ, પુણેમાં 15 ડિસેમ્બરથી સ્કૂલ ખોલવામાં આવવાની છે. ઓમીક્રોનને જોતા પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને સ્થાનિક પ્રશાસન નિર્ણય લેશે એવું માનવામાં આવે છે. ટાસ્ક ફોર્સ સાથે ચર્ચા કર્યા બાદ સ્કૂલને લઈને નિયમાવલી બનાવવામાં આવી છે. જોકે આજની મંત્રી મંડળની બેઠક બાદ સ્કૂલ બાબતે ચોક્કસ કહી શકાશે.