ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,20 જાન્યુઆરી 2022
ગુરુવાર.
કોરોનાના વધતા કહેર વચ્ચે મહારાષ્ટ્રમાં સ્કૂલો બંધ કરવામાં આવી હતી. તેથી ફરી સ્કૂલ, કોલેજ ક્યારે ચાલુ થશે તેની વાલીઓ જ નહી પણ વિદ્યાર્થીઓ પણ રાહ જોઈ રહ્યા હતા. છેવટે સોમવાર 24 જાન્યુઆરી 2022થી સ્કૂલ ફરી ચાલુ કરવાનો નિર્ણય સરકારે લીધો છે.
સોમવારથી સ્કૂલ ચાલુ કરવાનો પ્રસ્તાવ શિક્ષણ વિભાગે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સમક્ષ રાખ્યો હતો. આજે રાજયની મંત્રી મંડળની બેઠકમાં સ્કૂલ ફરી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની માહિતી શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે આપી હતી.
વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે, 24 તારીખથી સ્કૂલ ફરી ખુલશે. જોકે સ્કૂલ ચાલુ કરવા બાબતે સ્થાનિક સ્તરે કલેકટર, મહાપાલિકા કમિશનર, તહેસીલદાર રાજ્ય સરકારે આપેલી ગાઈડલાઈન મુજબ નિર્ણય લેશે. સંબંધિત વિસ્તારમાં કોરોનાની પરિસ્થિતિને આધારે સ્કૂલનો નિર્ણય સ્થાનિક પ્રશાસન લેશે.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે હજી બુધવારે જ કહ્યું હતું કે મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી રહી છે. આગામી અઠવાડિયા સુધી કોરોનાના કેસ પ્રતિદિન 1000ની આસપાસ આવશે એટલે 27 જાન્યુઆરી સુધીમાં સ્કૂલ ખોલવાની યોજના છે.