ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑગસ્ટ, 2021
સોમવાર
મહારાષ્ટ્રમાં આ વર્ષે પણ દહીંહાંડીનો તહેવાર ઊજવાશે નહીં. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સાર્વજનિક દહીંહાંડીની મંજૂરી આપી નથી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના ગોવિંદાના પ્રતિનિધિઓ સાથે આજે યોજાયેલી બેઠક બાદ આ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે અત્યારે લોકોનો જીવ બચાવવો જરૂરી છે, એથી તહેવારને થોડો સમય બાજુ પર રાખવો પડશે.
મુખ્ય પ્રધાને બેઠકમાં કહ્યું કે કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે, પરંતુ કોરોનાની ત્રીજી લહેરનો ભય યથાવત્ છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર દરેક બાબતમાં સંપૂર્ણ છૂટ આપી શકતી નથી. આ સમયે લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપવી જરૂરી છે. તેમનો જીવ બચાવવો જરૂરી છે. એથી, તહેવારોને થોડા સમય માટે અલગ રાખો. માનવતા બતાવો અને વિશ્વને આ સંદેશ આપો કે આપણે કોરોના મહામારીને હરાવીને જ રહીશું. સાથે જ મુખ્ય પ્રધાને ગોવિંદાઓને કોરોનાના સમયગાળા દરમિયાન દહીંહાંડીના બદલે આરોગ્ય સંબંધિત કાર્યક્રમો યોજવા અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે મંડળો અને ગોવિંદાઓએ ઠાકરે સરકારને વિનંતી કરી હતી કે તેમને કોવિડ પ્રોટોકોલના કડક પાલન સાથે નાના પાયે ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવે. સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ ત્રણ-ચાર સ્તરના નાના પિરામિડ બનાવશે, જેમાં મર્યાદિત સંખ્યામાં સહભાગીઓ હશે, જેઓનું સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે. આ માગણીઓ પર ચર્ચા કરવા માટે મુખ્ય પ્રધાને ઉદ્ધવ ઠાકરે સાથે ગોવિંદાના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, મહેસૂલપ્રધાન બાલાસાહેબ થોરાટ, ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલ પણ હાજર હતા.