News Continuous Bureau | Mumbai
Shala Praveshotsav-2025 :
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશથી શાળા, શિક્ષક અને શિક્ષણને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે.
- છેલ્લા કેટલાક સમયમાં અનેક વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો
- બાળકોના શિક્ષણ માટે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા વાલીઓને અનુરોધ
- મુખ્યમંત્રીશ્રીએ નાના ભૂલકાંઓ સાથે સહજભાવે સંવાદ અને શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કર્યુ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ એ વિકસિત સમાજ અને વિકસિત રાજ્યનો મુખ્ય આધાર સ્તંભ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશથી શાળા, શિક્ષક અને શિક્ષણને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ના બીજો દિવસ અને અષાઢી બીજના પાવન અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર જિલ્લાની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં ૧૯૭ બાળકોને શૈક્ષણિક કીટ ભેટ આપીને હોંશભેર શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ વેળાએ મુખ્યમંત્રીશ્રીએ નાના ભૂલકાઓ સાથે સહજભાવે સંવાદ કરીને તેમને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કર્યા હતા.
મુખ્યમંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે, શિક્ષણના મહત્વ અને જરૂરિયાત અંગે લોકોને જાગૃત કરવા તેમજ ગુજરાતની ભાવિ પેઢીને શિક્ષિત બનાવવાના આશય સાથે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૩થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ મહાયજ્ઞનો પ્રારંભ કરાવ્યો છે. જેના પરિણામે આજે બાળકોના માતા-પિતા અને સમગ્ર સમાજને શિક્ષણનું મહત્વ સમજાયું છે.
નબળી આર્થિક પરિસ્થિતિના પરિણામે કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા આશયથી રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ શિક્ષણલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. યોજનાઓનો મહત્તમ લાભ લઈને પોતાના બાળકોનું શિક્ષણ સુનિશ્ચિત કરવું એ સૌ મા-બાપની જવાબદારી છે તેવી અપિલ તેમણે બાળકોના વાલીઓને કરી હતી.
આજે રાજ્યની સરકારી શાળાઓ સ્માર્ટ ક્લાસ રૂમ સહિતની અનેક સુવિધાઓથી સુસજ્જ થઈ છે અને શાળાના શિક્ષકોનું શિક્ષણકાર્ય પણ વધુ જ્ઞાનસભર બની રહ્યું છે. તેની ફલશ્રુતિરૂપે છેલ્લા કેટલાક સમયમાં અનેક વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
બાળકો શિક્ષિત થાય તે માટે દરેક સમાજ દ્વારા યથાયોગ્ય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર વિવિધ સમાજની આવી શિક્ષણલક્ષી પહેલોમાં તેમની પડખે રહીને જરૂરી સહાય પૂરી પાડી રહી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પોતાના ગામની શાળાને આદર્શ શાળા બનાવવા માટે શિક્ષકોએ અને SMC કમિટીએ શાળા શિક્ષણકાર્યને વધુ ગુણવત્તાયુક્ત બનાવવાની દિશામાં ચિંતા અને ચિંતન કરીને યોગ્ય પ્રયાસો કરવા જોઈએ.
મુખ્યમંત્રીશ્રીએ વાલીઓને પણ આગ્રહ સાથે બાળકોને દરરોજ શાળાએ ભણવા મોકલવા તેમજ તેના શિક્ષણમાં મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ બાળકો જ ગુજરાતની ભાવિ પેઢી છે, જે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પુન્દ્રાસણ પ્રાથમિક શાળાની આંગણવાડીમાં ૫૩, બાલવાટિકામાં ૫૪, ધોરણ-૧માં ૪૮ તેમજ ધોરણ-૮થી ધોરણ-૯માં પ્રવેશપાત્ર ૪૨ બાળકોને મળી કુલ ૧૯૭ ભૂલકાઓનો પ્રવેશ કરાવી હોંશભેર શાળામાં આવકાર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે પુન્દ્રાસણ પ્રાથમિક શાળાના ૦૯ તેજસ્વી તારલાઓને વિવિધ સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીશ્રીએ શાળાના સ્માર્ટ ક્લાસ રૂમ સહિતના ખંડોની મુલાકાત લઈને શાળાના પટાંગણમાં વૃક્ષા રોપણ કર્યું હતું.
શાળાના બે તેજસ્વી વિદ્યાર્થીઓએ સામાજિક ઉત્થાન, કન્યા કેળવણી અને શિક્ષણના મહત્વને ઉજાગર કરતું પ્રેરણાદાયી વક્તવ્ય પણ રજૂ કર્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી હંસાબેન પટેલ, પુન્દ્રાસણ ગામના સરપંચ શ્રી પુનાજી ઠાકોર સહિત જિલ્લા-તાલુકાના વિવિધ પદાધિકારીશ્રીઓ, ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જે. પટેલ સહિતના અધિકારી-કર્મચારીશ્રીઓ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.