ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર
ચાર દિવસ પહેલા ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી ખાતે ખેડૂતો સામે થયેલી હિંસા બાદ ભારતીય જનતા પાર્ટી અને ઉત્તર પ્રદેશ સરકારને હવે દેશભરમાંથી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની ઉત્તર પ્રદેશ પોલીસે અટકાયત કર્યા બાદ આ મુદ્દાએ રાજકીય વળાંક લીધો છે.
ભારતમાં ‛કોલસા’ બન્યા ચિંતાનો વિષય; જાણો શા માટે સરકાર છે હેરાન?
એનસીપીના અધ્યક્ષ અને સાંસદ શરદ પવારે આ મુદ્દે આજે પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં, દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “હિંસામાં જીવ ગુમાવનારાઓ માટે ભાજપ શાસિત દિલ્હી અને ઉત્તર પ્રદેશની સરકાર સંપૂર્ણપણે જવાબદાર છે. માત્ર વિરોધ કરવાથી આપણને શાંતિ નહીં મળે. આ બાબતની તપાસ થવી જોઈએ. આ તપાસ સુપ્રીમ કોર્ટના હાલના જજ દ્વારા થવી જોઈએ. આ પ્રકારની બાબત કેન્દ્ર સરકારની નિયતિ દર્શાવે છે.” આગળ તેમણે કહ્યું કે, “આજે તેમની પાસે સરકાર છે તેથી તેઓ અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તે સફળ થશે નહીં. હાથમાં રહેલી શક્તિનો દુરુપયોગ થઈ રહ્યો છે. ખેડૂતો જો તમારા પર હુમલો થાય તો પણ અમે તમારી સાથે છીએ. કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર સંવેદનશીલ નથી. પવારે કહ્યું કે, અહીંની પરિસ્થિતિ જલિયાંવાલા બાગ જેવી જ છે.”
ખેડૂતોના આંદોલન અંગે વાત કરતા શરદ પવારે કહ્યું કે, “ખેડૂતોનો મોટો વર્ગ દિલ્હીની સરહદ પર વિરોધ કરી રહ્યો છે. આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે, પરંતુ 26 જાન્યુઆરીએ તેમના પર હુમલો થયો, જેના વિશેની પ્રતિક્રિયાઓ સમગ્ર દેશમાં સાંભળવા મળી હતી. લોકશાહીમાં તમને શાંતિથી બોલવાનો અધિકાર છે. લખીમપુર ખાતે ભેગા થયેલા ખેડૂતો પણ પોતાની માંગણીઓને લઈને શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા હતા. જોકે, તેને એક વાહને ટક્કર મારી હતી. જેમાં કેટલાકના મોત થયા હતા. હું આ ઘટનાની સખત નિંદા કરું છું.”