ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 01, માર્ચ 2022,
મંગળવાર,
મુંબઈ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને શિવસેનાના નગરસેવક યશવંત જાધવ અને તેમના પત્ની ધારાસભ્ય યામિની જાધવની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યા મુજબ જાધવ દંપત્તીની અમુક બનાવટી કંપનીઓનો પર્દાફાશ થયો છે.
થોડા દિવસો પહેલા આવકવેરા વિભાગે યશવંત જાધવના ઘરે દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગ લગભગ ચાર દિવસ સુધી જાધવના ઘરે તપાસ કરી હતી. તપાસ દરમિયાન તેઓએ અમુક દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર નગરસેવક યશવંત જાધવની 12થી વધુ બનાવટી કંપનીઓની ચોંકાવારી વિગત બહાર આવી છે. આ કંપનીઓ દ્વારા મોટા નાણાકીય વ્યવહારો થયા હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું. તે સિવાય આ કંપનીઓમાં કંપની એક્ટ મુજબ કેટલીક ભૂલો પણ જોવા મળી છે. તેથી યશવંત જાધવ અને યામિની જાધવની મુશ્કેલીઓ વધે તેવી પ્રબળ શક્યતા છે.
ફોન ટેપિંગમાં પ્રકરણમાં ચોંકાવનારા ખુલાસા, આ બે નેતાઓના 60 દિવસ ફોન રેકોર્ડ થયા.. જાણો વિગત
જાન્યુઆરીમાં ભાજપના નેતા કિરીટ સોમૈયાએ યશવંત જાધવ પર કરોડો રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમના પર મુંબઈમાં કોવિડ સેન્ટરના નિર્માણમાં મોટું કૌભાંડ કરવાનો આરોપ હતો. સોમૈયાએ જાધવ પર મની લોન્ડરિંગના ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. એવામાં આવકવેરા વિભાગને ચાર દિવસની રેડ દરમિયાન યશવંત જાધવના ઘરેથી અનેક પુરાવા મળ્યા હોવાનું માનવામાં આવે છે, ત્યારે આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શિવસેનાને તેનો ફટકો પડી શકે છે.