ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
11 નવેમ્બર 2020
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં NDAને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે, ત્યારે શિવસેનાનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. આ ચૂંટણીમાં શિવસેનાએ પણ 22 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જે તમામનો કારમો પરાજય થયો છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા સંજય નિરુપમે ટ્વીટ કરીને શિવસેના પર નિશાન સાધતા કહ્યું છે કે,
“શિવસેનાએ બિહારમાં 21 બેઠકો પર NOTA કરતાં પણ ઓછા વોટ મળ્યાં છે. આથી જ તેઓ એ કોંગ્રેસને શીખામણ આપવાની જગ્યાએ મોંઢુ બંધ રાખવું જોઈએ.”
બીજી તરફ બિહાર ચૂંટણીના પરિણામોમાં NDAને બહુમત મળવાને લઈને શિવસેનાએ કટાક્ષ કર્યો છે. પાર્ટીએ મુખપત્ર ‘સામના’માં લખ્યું છે કે,“ચૂંટણીમાં જેની હાર થઈ છે, તે બિહાર ‘સરકાર’ એટલે કે નીતિશકુમારની થઈ છે. કારણ કે ભાજપે જનતાદળ યુનાઈટેડના અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં સરકાર ચલાવી હતી અને ચૂંટણી પણ લડી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બિહારમાં સરકાર બનાવવા માટે 122 બેઠકોની આવશ્યક્તા છે, જ્યારે NDAએ 125 બેઠકો પર જીત મેળવીને આ જાદૂઈ આંકડો પાર કરી લીધો છે.. બીજી તરફ NDAને કાંટાની ટક્કર આપનાર તેજસ્વી યાદવના નેતૃત્વ વાળુ મહાગઠબંધન બહુમતના આંકડાથી થોડું પાછલ રહી ગયું અને તેને 110 બેઠકો જીતીને જ સંતોષ માનવો પડ્યો.