ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
22 ઓક્ટોબર 2020
શિવસેના પાર્ટીની સ્થાપના સાથે જ સ્વર્ગસ્થ બાલા સાહેબ ઠાકરેએ, દર વર્ષે વિજયાદશમી નિમિત્તે મુંબઇના શિવાજી પાર્કમાં દશેરા રેલીનું આયોજન કરવાનું શરૂ કર્યું હતું. આ રેલી દ્વારા ઠાકરે તેમના તમામ સમર્થકો સાથે વાતચીત કરતા હતા. તેમની વાત સાંભળવા માટે શિવસૈનીક દાદરના શિવાજી પાર્કમાં રાજ્યના ખૂણે-ખૂણાથી લાખોની સંખ્યામાં આવતા હતાં. પરંતું આ વખતે શિવસેનાએ કોરોના રોગચાળાને કારણે શિવાજી પાર્કમાં રેલી નહીં કરવાનો નિર્ણય લીધો છે.
શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્રની લગામ સંભાળ્યા પછી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની આ પહેલી દશેરા રેલી છે. પરંતુ, કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, અમે શિવાજી પાર્કમાં રેલી નહીં કરવાનું નક્કી કર્યું છે. આથી હવે આ દશેરા રેલી વીર સાવરકર સ્મારકના સભાખંડમાં યોજાશે. ત્યાંથી ઉદ્ધવ ઠાકરે દેશભરના શિવ સૈનિકો અને મહારાષ્ટ્રની જનતાને સંબોધન કરશે.
સંજય રાઉતે કહ્યું કે રાજ્ય સરકારે અનલોક ગાઇડલાઈન્સ હેઠળ ઘણી જગ્યાએ મુક્તિ આપી છે. પરંતુ આ પછી પણ, મોટા પાયે જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધો હજી પણ છે. તેથી, આવા તહેવારની હમણાં ઉજવણી કરવી યોગ્ય નથી. આવી સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેની વાત તમામ લોકો સુધી પહોંચે તેથી, તેમના સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.