ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021
શનિવાર
હિલ સ્ટેશન મહાબળેશ્વરના શિવસેનાના નેતા અને માજી નગરાધ્યક્ષ ડી. એમ. બાવળેકરના બે પુત્રો સગીર વયની છોકરીના બળાત્કારના પ્રકરણમાં સંડોવાયેલા હોવાનો તેમના પર કથિત આરોપ મુકાયો છે. આ આરોપ હેઠળ નેતાના બંને પુત્ર સહિત 11 લોકોને સહઆરોપી ગણીને તેમની સામે પોલીસમાં 23 સપ્ટેમ્બરના ગુનો નોંધવામાં આવ્યો છે.
મહાબળેશ્વરમાં આ ટીનએજર પર બળાત્કાર થયા બાદ તે ગર્ભવતી બની હતી અને તેણે એક બાળકને જન્મ પણ આપ્યો છે. આ ચોંકવનારો બનાવ પ્રકાશમાં આવ્યા બાદ આ ગુનામાં શિવસેનાના નેતાના પુત્રનો હાથ હોવાનું બહાર આવ્યું હતું. શંકાસ્પદ આરોપીઓમાં એક વકીલનો પણ સમાવેશ થાય છે. પોલીસે અત્યાર સુધી બે આરોપીઓની આ પ્રકરણમાં ધરપકડ કરી હતી. ગુરુવારે ઍડ્વોકેટ સહિત કુલ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
અખબારી અહેવાલ મુજબ આ પ્રકરણમાં શિવસેનાના નેતાના બંને દીકરાઓએ આરોપીઓને મદદ કરી હોવાની શંકા છે. આરોપીઓમાંના એકે ટીનએજર ગર્ભવતી બન્યા બાદ જન્મેલી બાળકીને ખોટા દસ્તાવેજોને આધારે મુંબઈમાં એક દંપતીને દત્તક આપી દીધી હોવાનું કહેવાય છે.