ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
શિવસેના અને ભાજપ વચ્ચે નું વાકયુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. ભાજપના નેતા નારાયણ રાણેએ બુધવારે સાંજના પ્રેસ કોન્ફરન્સ લઈને શિવસેનાને ચાબખા માર્યા હતા. ત્યારે શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે તેને વળતો ઉત્તર આપ્યો હતો. જોકે આ અગાઉ બે દિવસ પહેલા જ મોટા ઉપાડે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપના નેતાઓને જેલમાં પહોંચાડવાની વાત કરી હતી.
હવે ફરી એક વખત સંજય રાઉતે ભાજપના નેતાઓને સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો છે. બુધવારે ભાજપ પર કટાક્ષ કરતા સંજય રાઉતે કહ્યું હતું કે, 2024 સુધીમાં શિવસેના દિલ્હીની ગાદી પર પહોંચી જશે અને ઘણા લોકો બેરોજગાર થઈ જશે.
બીજેપી નેતા નારાયણ રાણેએ બુધવારે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સંજય રાઉત પર અનેક આરોપો લગાવ્યા. તેમાં નારાયણ રાણેએ એવો આરોપ લગાવ્યો હતો કે સંજય રાઉત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી પર નજર રાખી રહ્યા છે.
તે બાદ સંજય રાઉતે મીડિયા સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, "હું પ્રખર રાષ્ટ્રવાદી અને દેશભક્ત છું. મારી નજર કોઈની ખુરશી પર નથી. આ વખતે અમારી નજર માત્ર શિવસેનાના વિસ્તરણ પર છે, બીજું કંઈ નહીં.
અહીં ઉલ્લેખનીય છે કે મંગળવારે સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેને લઈને નારાયણ રાણેએ બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સંજય રાઉત અખબારના તંત્રી તરીકે શોભતા નથી. પત્રકાર માટે આ સારી ભાષા ન હતી. સંજય રાઉતને તબીબી સારવારની જરૂર છે. સંજય રાઉતે પોતાનું સંતુલન ગુમાવી દીધું છે અને તેમને તબીબી સારવારની જરૂર છે.