ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના અધિકારી સમીર વાનખેડેના અંગત જીવન પર કરવામાં આવેલા આરોપોને પગલે શિવસેના રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા અને મહાવિકાસ આઘાડીના લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિકથી નારાજ થઈ ગઈ હોવાનું કહેવાય છે.
શિવસેનાના કહેવા મુજબ ડ્રગ્સ પ્રકરણમાં NCBની કાર્યવાહી સામે ટીકા કરવામાં કોઈ વાંધો નથી, પણ સમીર વાનખેડેના અંગત જીવનને આમાં ઘસડી લાવવાની જરૂર નહોતી. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં લખવામાં આવ્યું છે કે ડ્રગ્સ કેસમાં નવાબ મલિક શરૂઆતથી સક્રિય રહ્યા છે. લોકશાહીમાં બીજાની ટીકા કરવાનો અધિકાર તમામ લોકોને છે, પરંતુ કોઈ અધિકારીના અંગત જીવન પર પ્રહાર કરવો યોગ્ય નથી.
શિવસેનાએ ‘સામના’માં કેન્દ્ર સરકારની પણ ટીકા કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય એજેન્સીનો મહાવિકાસ આઘાડી સરકાર સામે કરવામાં આવી રહેલા ગેરઉપયોગ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી.
કેન્દ્રીય એજન્સી ભાજપની પોતાની માલિકીની નથી. લોકશાહીમાં માલિકો બદલાતા રહે છે એનું ભાન ભાજપે રાખવાની જરૂર હોવાનો કટાક્ષ પણ સેનાએ કર્યો છે.