ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 જુલાઈ 2021
મંગળવાર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે છેલ્લા દોઢ વર્ષથી મંત્રાલયના દાદર ચઢ્યા જ ન હોવાનું સાંભળીને ચોંકી જવાશે. ઉદ્ધવ ઠાકરે તેમના બાંદરાના માતોશ્રી બંગલાથી બહાર જ નીકળતા ન હોવાની ટીકા સતત થતી હોય છે. વિરોધ પક્ષ તો ઠીક પણ તેઓ મહાવિકાસ આઘાડીના નેતાઓને પણ મળતા ન હોવાથી સતત ફરિયાદ આવતી હોય છે. ત્યારે છેલ્લા દોઢ વર્ષથી મુખ્ય પ્રધાન મંત્રાલયના દાદર ચઢ્યા જ ન હોવાનું બહાર આવ્યા બાદ વિરોધ પક્ષ તેમના પર ચઢી ગયો છે.
હાલમાં જ મુખ્ય પ્રધાન અને મહાવિકાસ આઘાડીએ પબ્લિસિટી પાછળ દોઢસો કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હોવાનો તેમના પર આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે પંદર મહિનામાં તેઓ મંત્રાલયમાં તેમની ઑફિસમાં ગયા જ ન હોવાથી વિરોધ પક્ષને તેમની ટીકા કરવાનો વધુ મોકો મળી ગયો છે.
કોરોનાનું કારણ આગળ કરીને તેઓ ભીડ ટાળવા માટે મંત્રાલય જવાને બદલે સરકારી નિવાસસ્થાન વર્ષા, સહ્યાદ્રિ તેમ જ માતોશ્રીથી કામકાજ કરતા હોવાની સ્પષ્ટતા તેમના ખાતા તરફથી આપવામાં આવી હતી. છેલ્લે તેઓ ગયા વર્ષે કોરાનાને પગલે લાદવામાં આવેલા લૉકડાઉનના પહેલાં એટલે કે માર્ચ મહિનામાં તેમની ઑફિસે ગયા હતા. જુલાઈ, ઑગસ્ટમાં કોરોનાના કેસ ઘટી ગયા બાદ પણ તેઓ પોતાની ઑફિસે ગયા નહોતા. એને કારણે મુખ્ય પ્રધાનને મંત્રાલયમાં મળવા આવનારા નાગરિકોની સાથે જ વિધાનસભ્યો પણ તેમની મુલાકાત લઈ શકતા નથી. એથી હવે તો તેઓ પોતાના ઘરથી બહાર નીકળીને મંત્રાલય આવે એવી માગણી વિરોધ પક્ષ જ નહીં પણ મહાવિકાસ આઘાડીના નેતા પણ કરી રહ્યા છે.