ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑક્ટોબર, 2021
બુધવાર
લૉકડાઉન શિથિલ થયા બાદ લાંચખોરીનું પ્રમાણ વધી ગયું છે. બીજી બાજુ લાંચ લેવાના કેસમાં અટવાયેલા રાજ્યના 189 અધિકારીઓ અને કર્મચારીઓ હજી પણ સરકારી સેવામાં કાર્યરત છે. એનાથી પણ વધુ ગંભીર વાત એટલે કે રુશવત લેવાના કેસમાં સજા થયા બાદ પણ વિવિધ સરકારી ખાતાઓમાં 36 જણ કાર્યરત છે. મુંબઈમાં આવા 18 અધિકારીઓ છે, જ્યારે થાણેમાં 27 અધિકારીઓ છે.
ધરપકડ કે સજા થઈ હોય એવા રુશવતખોરોને બરતરફ કરવાની કાર્યવાહી થવી અપેક્ષિત હોવા છતાં આ અધિકારીઓ અને કર્મચારીઓ સરકારી સેવાનો લાભ લઈ રહ્યા છે. એવા આંચકાજનક આંકડા બહાર પડ્યા છે.
સરકારી ખાતાને લાગેલો રુશવતના કીડો કાઢવા માટે એન્ટી કરપ્શન બ્યુરો તરફથી કાર્યવાહી કરવામાં આવે છે. 'રુશવત લેવી નહીં, રુશવત આપવી નહીં' આવા પ્રકારની જનજાગૃતિ આ વિભાગ દ્વારા કરવામાં આવે છે. છતાં રુશવતખોરીનું પ્રમાણ દર વર્ષે ઘટવાને બદલે વધી રહ્યું છે.