ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑક્ટોબર, 2021
સોમવાર
હાલમાં શાહરુખાનનો પુત્ર આર્યન ડ્રગ્સ મામલે જેલમાં બંધ છે અને અભિનેત્રી અનન્યા પાંડે પણ NCBના રડાર પર છે. વાસ્તવિક રીતે જોઈએ તો ગાંજાનો ઉપયોગ મુંબઈ શહેરમાં જ નહીં, પરંતુ આસપાસનાં ઉપનગરો અને નાનાંમોટાં શહેરો સુધી ફેલાયેલો છે. પ્રતિબંધ છતાં નશીલા પદાર્થોનું વેચાણ શહેરના વિવિધ વિસ્તારોમાં બેફિકર થઈ રહ્યું છે. સહેલાઈથી નશીલા પદાર્થો ઉપલબ્ધ થવાને લીધે યુવા વર્ગ નશાની દુનિયામાં ગરકાવ થઈ રહ્યો છે અને પોતાનું જીવન ખરાબ કરી રહ્યો છે. જોકે પોલીસ અને નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ એના પર નિયંત્રણ લગાવવામાં સખત પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ લોકો પોતાની આદતને પોષવા માટે નવી-નવી તરકીબો શોધી લીધી છે. થાણેમાં યુવાનો પોતાની બાલ્કની અને ટૅરેસમાં ગાંજાના છોડ વાવી રહ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. એમાં 160 લોકોની ધરપકડ થઈ છે.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ થાણે શહેર અંતર્ગત આવનારા પૉશ વિસ્તાર હીરાનંદાની મિડોઝ, ઉપવન તળાવ પરિસર, સિંઘાનિયા સ્કૂલ પરિસર, કશિશ પાર્ક, રહેજા ગાર્ડન્સ, લોકમાન્ય નગર, વર્તક નગર, ફ્લાવર વેલી, રુનવાલ ગાર્ડન, ખેવરા સર્કલ, વાગલે એસ્ટેટ, રાબોડી, હજુરી અને મુંબ્રા જેવા કેટલાક વિસ્તારોમાં ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે. આમાંથી કેટલીક સોસાયટીઓમાં રહેલા ગાર્ડન અને ફ્લૅટમાં ગાંજાના છોડ વાવવાના કિસ્સા સામે આવ્યા છે. ભારતમાં ગાંજો રાખવો કે એની ખેતી કરવા પર વર્ષ 1985માં પ્રતિબંધ મુકાયો હતો, પરંતુ કેટલાંક રાજ્યોમાં વિશેષ છૂટ આપવામાં આવી છે. જોકે ખેતી ગાંજાની નહીં પણ ભાંગની કરી શકાય છે. ભાંગ અને ગાંજો બંને એક જ પ્રજાતિના છોડ છે. એની નર પ્રજાતિમાંથી ભાંગ અને માદા પ્રજાતિમાંથી ગાંજો બને છે. આ બંનેના સંયોગથી ત્રીજો છોડ બને છે એને કેનાબીઝ કહેવાય છે. સરકારની અનુમતિ બાદ જ ભાંગની ખેતી કરી શકાય છે.
આર્થર રોડ જેલમાં આર્યન ખાન આ પુસ્તકો વાંચીને પોતાનો સમય વિતાવે છે; જાણો વિગત
ગાંજો, અફીણ, ચરસ જેવા નશીલા પદાર્થોના વેચાણ પર નિયંત્રણ મૂકવાની જવાબદારી નાર્કોટિક્સ વિભાગની છે. વિભાગ નાનાં શહેરોમાં જતો નથી, કારણ કે ત્યાં મોટી માછલીઓ તેમના હાથમાં આવતી નથી. માદક પદાર્થોનું વેચાણ ક્યાં ક્યાં થાય છે? એમાં કોણ કોણ સામેલ છે? એની બધી જ ખબર એ વિસ્તારના ચોકીદારોથી લઈને પોલીસને હોય છે.