ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી કૅપ્ટન અમરીંદર સિંહે હાલમાં જ પોતાના મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું આપ્યું છે અને એ વાત પણ ઉલ્લેખનીય છે કે માર્ચથી અત્યાર સુધીમાં 6 રાજ્યોના મુખ્ય મંત્રીઓ બદલાઈ ગયા છે.
આવામાં કૅપ્ટન અમરીંદર સિંહે મીડિયાને સંબોધતાં કહ્યું છે કે તેઓ વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને હરાવવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે. સિંહે કહ્યું કે તેઓ આવા ખતરનાક માણસથી દેશને બચાવવા માટે કોઈ પણ બલિદાન આપવા તૈયાર છે.
તેમણે કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુ પંજાબ માટે ખતરો છે. સિંહે કહ્યું કે તેમને રાજ્યના મુખ્ય મંત્રી બનતા રોકવા માટે તેઓ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમની સામે મજબૂત ઉમેદવાર ઊભા કરશે અને ચૂંટણીમાં તેમને હરાવવા માટે કામ કરશે.
ભાજપના આ નેતાએ મહારાષ્ટ્ર સરકારને ફરી કોલ્હાપુર જવાની ચીમકી આપી; જાણો વિગત
અમરિંદર સિંહે ખુલાસો કર્યો કે તેમણે ત્રણ અઠવાડિયાં પહેલાં સોનિયા ગાંધીને રાજીનામું આપવાની ઑફર કરી હતી, પરંતુ તેમણે તેમને પદ પર બની રહેવા કહ્યું હતું. કૅપ્ટને કહ્યું કે જો તેમણે મને ફોન કર્યો હોત અને મને રાજીનામું આપવા કહ્યું હોત તો હું તરત રાજીનામું આપી દેત. એક સૈનિક તરીકે, હું જાણું છું કે મારું કામ કેવી રીતે કરવું અને એક વાર બોલાવ્યા પછી કેવી રીતે પાછા ફરવું.
“હું ધારાસભ્યોને ગોવા અથવા અન્ય કોઈ જગ્યાએ ફ્લાઇટમાં લઈ જતો નથી. હું ખેલ નથી કરતો અને ગાંધી ભાઈ-બહેન જાણે છે કે આ મારો રસ્તો નથી.”
અમરીંદર સિંહે વધુમાં કહ્યું કે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી મારાં સંતાનો જેવાં છે. હું દુઃખી છું, તેમણે કહ્યું કે રાહુલ અને પ્રિયંકા અનુભવી નથી, તેમના સલાહકારોએ તેમને સંપૂર્ણપણે ખોટું કહ્યું છે અને તેઓ તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
તેઓ હજુ પણ તેમના રાજકીય વિકલ્પો ખુલ્લા રાખી રહ્યા હોવાનો સંકેત આપતાં પૂર્વ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે તેઓ તેમના ભવિષ્યની કાર્યવાહી અંગે નિર્ણય લેતાં પહેલાં તેમના મિત્રો સાથે વાત કરી રહ્યા છે.
સિંહે કહ્યું કે તેમણે પોતાની ઉંમરને બધાના રૂપમાં જોઈ નથી, તમે 40 વર્ષની ઉંમરે પણ વૃદ્ધ થઈ શકો છો અને 80 વર્ષની ઉંમરે યુવાન જેવા બની શકો છો.