ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑગસ્ટ, 2021
સોમવાર
કોરોના મહામારીમાંથી કોઈ ઇન્ડસ્ટ્રી બચી શકી નથી, જેમાં રંગભૂમિનો પણ સમાવેશ થાય છે. બ્રેક ધ ચેઇન હેઠળ સરકારે અનેક રાહતો આપી છે. સિરિયલોનાં શૂટિંગ માટે પણ શરતી મંજૂરી આપી દીધી છે. જોકે હજી સુધી નાટ્યજગત માટે સરકારે કોઈ જાહેરાત કરી નથી, ત્યારે આજે 9 ઑગસ્ટના ક્રાંતિદિન નિમિતે સરકારની ભેદભાવભરી નીતિના વિરોધમાં પોતાની માગણીઓ માટે રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોએ મુંબઈ સહિત રાજ્યભરમાં એકસાથે આંદોલન કર્યું હતું.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનની આ જાહેરાતથી શું વેક્સિનની કાળાબજારી થશે? જાણો વિગત
દોઢ વર્ષના લૉકડાઉન દરમિયાન કામધંધા બંધ હતા. સરકાર તરફથી પણ કોઈ આર્થિક મદદ મળી નહોતી અને હવે અનેક ઉદ્યોગધંધાને રાહત આપવામાં આવી છે, પરંતુ નાટ્યભૂમિ સાથે સંકળાયેલા લોકો માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એની સામે આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોમાં ભારે નારાજગી છે. રાજ્ય વ્યાપી આંદોલનમાં નાટ્યજગત સાથે જોડાયેલા લોકો જ નહીં, પણ લોકકલાકારો, તમાશાના કલાકારો, ગાયક, વાદક તથા પડદા પાછળ રહેલા હજારો કલાકારો પણ જોડાયા હતા. મુંબઈમાં દાદરમાં હિંદમાતા પાસે દાદાસાહેબ ફાળકેના પૂતળા સામે બપોરના આ આંદોલન કરવામાં આવ્યું હતું. એમાં મોટી સંખ્યામાં રંગભૂમિ સાથે જોડાયેલા લોકોએ ભાગ લીધો હતો.